બીબીસી 100 વીમેન ઑફ 2020

  • ગુમનામ નાયિકા

    સમગ્ર દુનિયામાં પરિવર્તન લાવી રહ્યાં છે

    એક અસાધારણ વર્ષમાં જ્યારે અસંખ્ય મહિલાઓએ અન્ય લોકોની મદદ માટે બલિદાન આપ્યા છે, ત્યારે અમે આ યાદીમાં પ્રથમ સ્થાનને તે મહિલાઓનાં બલિદાન અને કામના સન્માનની યાદમાં ખાલી છોડ્યું છે, જેમણે પરિવર્તન લાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

    બીબીસી 100 મહિલાઓની યાદીમાં દુનિયાની એવી તમામ મહિલાનું નામ સામેલ નથી કરી શક્યા જેમણે પરિવર્તન લાવવામાં પોતાનો ફાળો આપ્યો છે, આમ છતાં આ યાદીને એટલા માટે તૈયાર કરવામાં આવી છે જેથી તમે એ લોકો વિશે વિચારો જેમનો તમારા પર વર્ષ 2020માં કોઈને કોઈ પ્રકારે પ્રભાવ પડ્યો છે.

  • લોઝા અબેરા ગેઇનોર

    ઇથિયોપિયા ફૂટબૉલર

    લોઝા અબેરા ગેઇનોરનો જન્મ અને ઉછેર દક્ષિણ ઇથિયોપિયાના એક નાનકડા શહેરમાં થયો હતો. તેઓ ઇથિયોપિયન વીમેન્સ પ્રીમિયર લિગમાં બે સિઝન સુધી હવાસા સિટી SC વતી રમ્યાં હતાં. જે દરમિયાન તેમણે ક્લબ વતી સૌથી વધુ ગોલ ફટકાર્યા હતા.

    હાલમાં તેઓ એક પ્રોફેશનલ ફૂટબૉલર છે અને ઇથિયોપિયાની રાષ્ટ્રીય મહિલા ટીમનાં સભ્ય છે.

    > આ દુનિયાની કોઈ પણ મહિલા ગમે તેવા સંજોગોનો સામનો કરીને જે હાંસલ કરવાના સ્વપ્ન જોતી હોય અથવા યોજના ધરાવતી હોય, તેને હાંસલ કરી શકે છે.

  • હુડા અબૂઝ

    મોરક્કો રૅપર khtek.17

    હુડા અબૂઝ ઉર્ફ ખતેક એ મોરક્કોનાં રૅપર છે અને પોતાની વિશિષ્ટ સ્ટાઇલ તથા સૂરીલાં ગીતો માટે જાણીતાં છે.

    તેઓ મહિલાઓના અધિકારો અને જાતીય સમાનતા માટે લડત આપે છે. પુરુષોનો પ્રભાવ ધરાવતા ઉદ્યોગમાં મોરક્કન રૅપર હોવાના નાતે હુડા માને છે કે તેમનું સંગીત પરિવર્તન લાવી શકે છે.

    > લડત આપવાનું, સર્જન કરવાનું, પ્રતિકાર કરવાનું ચાલુ રાખો. કદી હાર ન માનો. આપણી લડાઈ હજુ શરૂ જ થઈ છે અને આ વિશ્વને જેની જરૂર છે તે બધું જ આપણે છીએઃ એટલે કે મહિલાશક્તિ.

  • ક્રિસ્ટિના અડૅન

    નેધરલૅન્ડ્સ કૅમ્પેનર christina.adane

    યુકેમાં ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોને શાળામાં મફતમાં ભોજન આપવા માટે અરજી થઈ હતી જેમાં ક્રિસ્ટિનાની મુખ્ય ભૂમિકા હતી અને ફૂટબૉલર માર્કસ રૅશફોર્ડે ટેકો આપ્યો હતો.

    ફૂડ ઉદ્યોગમાં અન્યાયનો સામનો કરવા માટે બાઇટ બૅક 2030ના યૂથ બોર્ડ કો-ચેર તરીકે અને પોતે શાળામાં નિઃશુલ્ક ભોજન મેળવ્યું હોવાના કારણે ક્રિસ્ટિના ઇચ્છે છે કે યુકેમાં કોઈ પણ બાળક ભૂખ્યું ન રહે.

    > તમારા વિશે અથવા તમારી માન્યતાઓ વિશે ક્યારેય સમાધાન ન કરો. ટોળામાં ભળીને કોઈ મહિલા ક્યારેય પરિવર્તન લાવી શકી નથી.

  • યિવ્હોન અકી-સૉયર

    સિએરા લિઓન મેયર

    મેયર યિવ્હોન અકી-સોયર OBE એ તેમના ત્રણ વર્ષના ટ્રાન્સફોર્મ ફ્રીટાઉન પ્લાન માટે જાણીતાં છે. જેમાં પર્યાવરણના નુકસાન અને ક્લાિમેટ ચેન્જથી લઈને બેરોજગારી ઘટાડવા માટે રોજગારીના સર્જન સહિતનાં 11 સેક્ટર સામેલ છે. ક્લાઇમેટ કટોકટી પર સૌનું ધ્યાન ગયું છે તે વર્ષમાં, જ્યારે પૂર અને જંગલની આગની ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડો લોકોને અસર કરી છે ત્યારે, મેયર અકી-સોયરે ફ્રીટાઉનના રહેવાસીઓને બે વર્ષના ગાળામાં 10 લાખ ઝાડ વાવવાના અભિયાનમાં સામેલ થવા પ્રોત્સાહિત કર્યા છે.

    #FreetownTheTreeTownને કોઇ પણ સંસાધન વગર જાન્યુઆરી 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર સુધીમાં લગભગ 450,000 છોડ વાવવામાં આવ્યા હતા. હવે બાકીના ઝાડ આગામી વર્ષાઋતુમાં વાવવામાં આવશે. પડકાર, માટીનું ધોવાણ અને પાણીની અછત જેવા પડકારોનો સામનો કરવા માટે વૃક્ષો મહત્ત્વના છે.

    > આપણે કદાચ હતાશાં અને અસંતોષ અનુભવીએ છીએ. તેમાં હંમેશાં નકારાત્મક રહેવાની જરૂર નથી. આપણે આપણા અસંતોષ દ્વારા આપણે જે પરિવર્તન જોવા માંગતા હોઈએ તેને માર્ગ આપીને તેને હકારાત્મક બનાવી શકીએ છીએ.

  • રીના અખ્તર

    બાંગ્લાદેશ પૂર્વ સેક્સવર્કર

    કોરોના રોગચાળા દરમિયાન રીના અને તેમની ટીમે ઢાકામાં દર સપ્તાહે લગભગ 400 લોકોને ભોજન પૂરું પાડ્યું હતું, જેમાં ભાત, શાકભાજી, ઇંડાં અને માંસ સામેલ હતાં. તેમણે એવાં સેક્સ વર્કસને મદદ કરી જેમની પાસે કોઈ ગ્રાહક આવતા ન હતા અને તેઓ ભૂખમરાનો સામનો કરતાં હતાં.

    > લોકો અમારા વ્યવસાયને હલકો ગણે છે. પરંતુ અમે પેટ ભરવા માટે આ કામ કરીએ છીએ. મારો પ્રયાસ છે કે આ વ્યવસાયમાં કોઈ મહિલા ભૂખી ન રહે અને તેમનાં બાળકોએ આ કામ કરવું ન પડે.

  • સારા અલ-અમીરી

    યુએઈ ઍડ્વાન્સ્ડ ટેકનૉલૉજી રાજ્યમંત્રી

    મહામહિમ સારા અલ-અમીરી એ યુએઇના ઍડ્વાન્સ ટેકનૉલૉજીનાં મંત્રી તથા યુએઈ સ્પેસ એજન્સીનાં અધ્યક્ષ છે. તેઓ અગાઉ ઍમિરેટ્સ માર્સ મિશનનાં સાયન્સ લીડ અને ડેપ્યુટી પ્રોજેક્ટ મૅનેજર રહી ચૂક્યાં છે.

    સંયુક્ત આરબ અમીરાતનું મંગળ મિશન કોઈ પણ આરબ દેશ દ્વારા બીજા ગ્રહ માટે પ્રથમ અભિયાન હશે. મંગળ ગ્રહનું પરિભ્રમણ કરનાર ઓર્બિટરનું નામ અમાલ (અરબી ભાષામાં આશા) રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઓર્બિટર ફેબ્રુઆરી 2021માં મંગળ ગ્રહ પર પહોંચશે અને ત્યાંની આબોહવા અને હવામાનના આંકડા એકત્ર કરશે.

    > વાઇરસના કારણે વિશ્વમાં આપણે જે રીતે વિચારીએ અને વિકાસ કરીએ છીએ તેમાં એક પ્રકારની સ્થગિતતા આવી ગઈ છે. વિકાસ ચાલુ રાખવા માટે અને આપણા નાજુક વિશ્વને ટકાવી રાખવા માટે આપણે સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે.

  • વાદ અલ-કતીબ

    સીરિયા ફિલ્મમેકર

    વાદ અલ-કતીબ એ સીરિયાનાં કાર્યકર, પત્રકાર અને ઍવૉર્ડ વિજેતા ફિલ્મ-મેકર છે જેમણે એલેપ્પોમાં પોતાનાં અહેવાલો દ્વારા ઘણી પ્રતિષ્ઠા (ઍમી ઍવૉર્ડ સહિત) મેળવી છે. 2020માં પોતાનાં પ્રથમ ફીચર 'ફૉર સામા' બદલ તેમને બાફ્ટા ઍવૉર્ડ મળ્યો હતો અને શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી ફીચરના ઍકેડમી ઍવૉર્ડ માટે નૉમિનેટ થયાં હતાં.

    2016માં એલેપ્પોમાંથી વિસ્થાપિત થયા બાદ વાદ, તેમનાં પતિ અને તેમની બે પુત્રીઓ સાથે હાલમાં લંડનમાં રહે છે, જ્યાં વાદ ચેનલ 4 ન્યૂઝ માટે કામ કરે છે અને 'ઍક્શન ફૉર સામા' નામે અભિયાન ચલાવે છે.

    > આપણે જ્યારે આશા છોડીએ ત્યારે જ હારીએ છીએ. કોઈ પણ મહિલા ભલે ગમે ત્યાં રહે, તમારા વિચારો માટે લડવાનું ચાલુ રાખો, સપનાં જોવાની હિંમત કરો અને સૌથી વધુ મહત્ત્વની વાત, ક્યારેય હિંમત ન હારો.

  • ઍડ્રિયાના અલ્બિની

    ઇટાલી પૅથોલૉજિસ્ટ

    ઍડ્રિયાના અલ્બિની એ IRCCS મલ્ટિમેડિકાની એન્જિયોજિનેસિસ લેબોરેટરીમાં વેસ્ક્યુલર બાયોલોજીનાં વડાં છે. તેઓ મલ્ટિમેડિકા ફાઉન્ડેશનનાં વડાં છે. તેઓ યુનિવર્સિટી ઑફ મિલાન-બાઇકોકા ખાતે જનરલ પૅથોલૉજીનાં પ્રોફેસર અને યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થનાં ભૂતપૂર્વ વિઝિટિંગ સાયન્ટિસ્ટ છે.

    તેઓ અમેરિકન ઍસોસિયેશન ફૉર કૅન્સર રિસર્ચના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં ચૂંટાયેલાં પ્રથમ ઇટાલિયન છે. મહિલાઓના આરોગ્ય અંગે નેશનલ ઑબ્જર્વેટરી ફાઉન્ડેશનમાં તેઓ ટોચની ઇટાલિયન વીમેન્સ સાયન્ટિસ્ટ્સ ક્લબનાં પ્રેસિડન્ટ તરીકે મહિલા સંશોધનકર્તાઓને પ્રાયોજિત કરવા સાથે સંકળાયેલાં છે. તેઓ ફેન્સિંગનાં ચૅમ્પિયન પણ છે. 2018માં વેટેરન્સ વર્લ્ડકપ ખાતે તેઓ કાંસ્ય પદક જિત્યાં હતાં જ્યારે 2015માં યુરોપીયન વેટેરન્સ ફેન્સિંગ કૉમ્પિટિશનમાં તેઓ રજતચંદ્રક વિજેતા બન્યાં હતાં.

    > સંશોધનકર્તાઓ તેમની કારકિર્દી એક ખાસ રસ્તાથી શરૂ કરે છે, પાકો રસ્તો જ્યાં પૂરો થતો હોય તેમ લાગે ત્યાં વૈજ્ઞાનિકો આગળ એક માર્ગ તૈયાર કરે છે. મહિલા વૈજ્ઞાનિકોએ પોતાની મલ્ટિટાસ્કિંગ ક્ષમતા દ્વારા એવો માર્ગ શોધવો જ જોઈએ જ્યાં કોઈને બીજો માર્ગ સૂજતો ન હોય.

  • ઉબાહ અલી

    સોમાલીલૅન્ડ એફજીએમ વિશે જાગરૂકતા ફેલાવનાર

    ઉબાહ અલી એ સોલેસ ફૉર સોમાલીલૅન્ડ ગર્લ્સ નામના સંગઠનનાં સહ-સ્થાપક છે. આ સંગઠન શિક્ષણ અને સશક્તિકરણ દ્વારા સોમાલીલૅન્ડના તમામ સમુદાયોમાં મહિલાઓના જનનાંગના ખતના (FGM)ના દરેક સ્વરૂપને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

    અલી લેબેનોનમાં માઇગ્રન્ટ કામદારોના અધિકારોનાં પણ હિમાયતી છે. તેઓ અમેરિકન યુનિવર્સિટી ઑફ બૈરૂત ખાતે અભ્યાસ કરે છે.

    > 2020માં વિશ્વ ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓએ તાત્કાલિક સંગઠીત થવાની જરૂર છે- ઘણી મહિલાઓ ઘરેલુ હિંસા, બળાત્કાર, FGM અને બીજી યાતનાઓ સહન કરે છે. સંગઠીત થઈને મહિલાઓ ન્યાય માંગી શકે છે!

  • નિસરીન અલવાન

    ઇરાક / યુકે પબ્લિક હેલ્થ નિષ્ણાત

    નિસરીન એ યુકે સ્થિત જાહેર આરોગ્યના ડૉક્ટર અને નિષ્ણાત છે. તેઓ મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે સંશોધન કરે છે. તેમનું સંશોધન ગર્ભાવસ્થા પર કેન્દ્રિત છે.

    કોવિડ-19 રોગચાળા દરમિયાન નિસરીને એ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું કે દેશોએ આ રોગચાળાને અટકાવવા કેવા ઉપાય અજમાવવા જોઈએ. તેઓ માત્ર મૃત્યુદરને રોકવા પર ભાર ન મૂકે, પરંતુ આ વાઈરસથી લોકો પર થતી લાંબા ગાળાની અસર (લોંગ કોવિડ સહિત)ને રોકવા પણ પ્રયાસ કરે. લોંગ કોવિડ ધરાવતા દર્દીઓમાં થાક, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો દેખાય છે.

    > 2020માં મેં ત્રણ કામ વધારી દીધાં છેઃ મારા મનમાં જે હોય તે બોલવું, મને જેની બીક લાગતી હોય તે કામ કરવું અને મારી જાતને માફ કરવી. મેં ત્રણ કામ ઘટાડી દીધાં છેઃ બીજા શું કહેશે તેની ચિંતા કરવી, મારી જાતને દોષ આપવો અને હું બીજા કરતાં ઊતરતી કક્ષાની છું એવું માનવું.

  • એલિઝાબેથ ઍનિનોવુ

    ઇંગ્લૅન્ડ નર્સ

    પ્રોફેસર ડેમ એલિઝાબેથ ઍનિનોવુ યુનિવર્સિટી ઑફ વેસ્ટ લંડન ખાતે નર્સિંગનાં એમેરિટસ પ્રોફેસર તથા યુકે સિકલ સેલ સોસાયટીનાં પેટ્રન છે.

    તેઓ સિકલ સેલ અને થેલેસેમિયાનાં પ્રથમ એવાં નર્સ છે જેમણે બ્રિટિશ-જમૈકન નર્સ મેરી સિકોલની પ્રતિમા લગાવવા માટે કૅમ્પેન ચલાવ્યું હતું. BAME સમુદાયો પર કોવિડ-19ની ઘણી વધારે અસર પડી છે જે હાઇલાઇટ કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.

    > તમે અને બીજી ઘણી મહિલાઓ જે હકારાત્મક વૈશ્વિક યોગદાન આપી રહ્યાં છો તેને ક્યારેય ઓછું ન આંકો.

  • નદીન અશરફ

    ઇજિપ્ત કૅમ્પેનર actuallynadeen

    નદીન એ ફિલોસોફીનાં વિદ્યાર્થી છે જેઓ સોશિયલ મીડિયાને પરિવર્તનના સાધન તરીકે જુએ છે. તેઓ સામાન્ય જનતાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી રીતે જ્ઞાન ફેલાવવામાં માને છે.

    નદીન એ અસોલ્ટ પોલીસનાં સ્થાપક છે જે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેમાં ઇજિપ્તની મહિલાઓ જાતીય સતામણી અંગે પોતાની વાત રજૂ કરે છે. જાતીય સતામણી વિરુદ્ધ સામાજિક પરિવર્તન માટે નદીનને હવે સ્ત્રી અધિકારોની ચળવળમાં કેન્દ્રસ્થાને ગણવામાં આવે છે.

    > હું એવી મહિલાઓની વચ્ચે રહીને ઉછરી છું જેમણે પરિવર્તન લાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તેમના અવાજને બુલંદ બનાવી શકીશ. તમે જેમાં માનતા હોવ તે કામ કરવા માટે ક્યારેય મોડું નથી થયું હોતું.

  • એરિકા બેકર

    જર્મની એન્જિનિયર

    એરિકા ગિટહબ ખાતે ડિરેક્ટર ઑફ એન્જિનિયરિંગ છે. ટેક્નૉલૉજી ક્ષેત્રે એરિકાની કારકિર્દી 19 વર્ષ અગાઉ શરૂ થઈ હતી. જેમાં તેમણે યુનિવર્સિટી ઑફ અલાસ્કામાં ટેક સપોર્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ 2006માં તેઓ ગૂગલર બન્યાં હતાં.

    તેઓ 2015માં સ્લેક અને 2017માં પેટ્રિયોન સાથે જોડાયાં હતાં. ત્યાર પછી તેઓ માઇક્રોસોફ્ટમાં જોડાયાં અને અંતે GitHubમાં ટ્રાન્સફર થયાં હતાં. એરિકા એટિપિકા અને હેક ઓફ ધ હૂડના એડવાઇઝરી બોર્ડ, Code.org ડાઇવર્સિટી કાઉન્સિલ, ધ બાર્બી ગ્લોબલ એડવાઇઝરી બોર્ડ, ગર્લ ડેવલપ ઇટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન ધરાવે છે. તેઓ બ્લેક ગર્લ્સ કોડનાં ટેક મેન્ટર છે. એરિકા હાલમાં ઓકલેન્ડ, કેલિફોર્નિયા સ્થિત છે.

    > 2020માં વિશ્વ ઘણું બદલાઈ ગયું છે. આપણે નિઃસ્વાર્થ બનવાનું તથા સેવાનું મહત્ત્વ અને જોડાણના મૂલ્યને ફરીથી શીખી રહ્યા છીએ. આપણને એ પણ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે વિશ્વ બધા માટે એકસમાન જગ્યા નથી. હું સમગ્ર વિશ્વની મહિલાઓને પ્રોત્સાહિત કરીશ કે તેઓ તેમની શક્તિનો ઉપયોગ કરીને ન્યાય માટે લડે, સ્વતંત્રતા માટે લડે અને આપણે બધાને એક સરખા ગણવામાં આવે તે માટે લડે.

  • ડાયના બૅરેન

    યુકે પાર્લિયામેન્ટરી અંડર સેક્રેટરી ઑફ સ્ટેટ

    બૅરોનેસ બૅરેનની 2019માં યુકેનાં સિવિલ સોસાયટી મંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી. તેઓ સિવિલ સોસાયટીની ઑફિસને લગતી નીતિઓ માટે જવાબદાર છે. તેઓ ઘરેલુ હિંસા વિરુદ્ધ નેશનલ ચૅરિટી સેફ લાઇવ્સના સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ છે. તેઓ થિંક ટૅન્ક ન્યૂ ફિલાન્થ્રોપી કૅપિટલ ખાતે ગ્રાન્ટ ડેવલપમેન્ટનાં ભૂતપૂર્વ વડાં છે અને તેમણે 1993માં યુરોપના સૌપ્રથમ હેજ ફંડ્સ પૈકી એકની સ્થાપના કરતાં પહેલાં ઍસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કર્યું હતું.

    બૅરોનેેસ બૅરેન રૉયલ ફાઉન્ડેશન અને કૉમિક રિલિફનાં ટ્રસ્ટી તથા હૅનરી સ્મિથ ચૅરિટીના ચેર હતાં. તેમણે 2007માં બિકૉન એવોર્ડ ફૉર ઇંગ્લેન્ડ મેળવ્યો હતો અને ઘરેલુ હિંસા વિરોધી કામગીરી બદલ 2011માં તેઓ MBE થયા હતા.

    > મને માયા એન્જેલુના શબ્દો યાદ આવે છેઃ "તમે જે બોલ્યા તેને લોકો ભૂલી જશે, તમે જે કર્યું તેને લોકો ભૂલી જશે પરંતુ લોકો એ ક્યારેય નહીં ભૂલી શકે કે તમે તેમને કેવો અનુભવ કરાવ્યો."

  • બિલકીસ

    ભારત સીએએ વિરુદ્ધ પ્રદર્શનનાં લીડર

    82 વર્ષનાં બિલકીસ એ મહિલાઓના જૂથમાં સામેલ હતાં જેમણે વિવાદાસ્પદ નાગરિકત્વ ધારા સામે શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો.

    તેઓ રાજધાની દિલ્હીનાં શાહીન બાગ ખાતે લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનનો ચહેરો બની ગયાં હતાં. ભારતીય પત્રકાર અને લેખક રાણા અયૂબે તેમને ‘કચડાયેલા વર્ગનો અવાજ’ ગણાવ્યાં હતાં.

    > મહિલાઓએ તેમનાં ઘરની બહાર નીકળવામાં અને ન્યાય માટે પોતાનો અવાજ ઉઠાવવામાં શક્તિનો અનુભવ થવો જોઈએ. તેઓ પોતાના ઘરમાંથી બહાર નહીં નીકળે તો તેઓ પોતાની શક્તિ કેવી રીતે દર્શાવી શકશે?

  • સિન્ડી બિશપ

    થાઇલૅન્ડ યુએન વીમેન ઍમ્બૅસૅડર/મૉડેલ cindysirinya

    સિન્ડી બિશપ એક અભિનેત્રી અને ટીવી હોસ્ટ છે. જેઓ મહિલાઓ વિરોધી હિંસાને ખતમ કરવા માટે અભિયાન ચલાવે છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમને એશિયા અને પેસિફિક માટે પોતાના વીમેન રિજનલ ગૂડવિલ ઍમ્બૅસૅડર નિયુક્ત કરવામાં આવ્યાં છે, જેથી સરકાર, સમાજ અને શિક્ષણની મદદથી જાતીય સમાનતાને પ્રમોટ કરી શકાય. સિન્ડીએ 2018માં #DontTellMeHowToDress ચળવળ શરૂ કરી હતી. થાઇલૅન્ડમા સત્તાવાળાઓએ મહિલાઓને થાઈ નવા વર્ષના તહેવારો વખતે જાતીય સતામણીથી બચવું હોય તો ‘સેક્સી’ ન દેખાવાની સલાહ આપી ત્યાર બાદ સિન્ડીએ ચળવળ શરૂ કરી હતી.

    તેઓ Dragonfly360ના નૉલેજ ડિરેક્ટર પણ છે, જે એક પ્રાદેશિક મંચ છે અને એશિયામાં જાતીય સમાનતાની હિમાયત કરે છે. તેઓ સુરક્ષા, અધિકારો અને સન્માનપૂર્ણ સંબંધો પર બાળકોનાં પુસ્તકોની એક શ્રેણી લખી રહ્યાં છે.

    > 2020માં વિશ્વમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે દરેક વ્યક્તિએ સમાન ગૌરવ અને એવી સ્વતંત્રતાથી જીવવું જોઈએ જેનો બધા લોકો આનંદ માણી શકે. આપણે યુવાન મહિલાઓની એક આખી પેઢીને પ્રેરિત કરવાનું ચાલુ રાખવું જોઈએ.

  • મૅકિન્લે બટસન

    ઑસ્ટ્રેલિયા વૈજ્ઞાનિક અને સંશોધક

    મૅકિન્લે બટ્સને સાત વર્ષનાં હતાં ત્યારથી જ સંશોધનો શરૂ કરી દીધાં હતાં. આજે તેઓ 20 વર્ષનાં છે અને તેમણે એવાં ઘણાં સાધનો વિકસાવ્યાં છે જે સ્તન કૅન્સરના દર્દીઓમાં રેડિયોથેરેપીના પરિણામો સુધારવામાં અને વિકાસશીલ દેશોમાં સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવામાં મદદરૂપ છે.

    તેઓ ઑસ્ટ્રેલિયાની યુવાપેઢી માટે પ્રેરકબળ બન્યાં છે. STEM દ્વારા સમુદાયને કઈ રીતે મદદ કરી શકાય તે તેમણે દર્શાવ્યું છે.

    > પરિવર્તન લાવવાની આપણી ક્ષમતાને કોઈ વ્યાખ્યાયિત નથી કરી શકતું. વિશ્વની દરેક મહિલાને મારી વિનંતી છે કે તેઓ આ સવાલ પૂછે, “જો હું નહીં કરું તો કોણ કરશે? અત્યારે નહીં તો પછી ક્યારે?”

  • ઇવલિના કેબ્રેરા

    આર્જેન્ટિના ફૂટબૉલ કોચ અને મૅનેજર evelinacabrera23

    ઇવલિના બહુ નબળા વર્ગમાં પેદા થયાં હતાં. છતાં કોઈ પરિબળ તેમને ફૂટબૉલ કોચ અને મૅનેજર બનતાં અટકાવી ન શક્યું. તેમણે 27 વર્ષની વયે આર્જેન્ટિનિયન વીમેન્સ ફૂટબૉલ ઍસોસિએશનની સ્થાપના કરી હતી.

    તેમણે કેટલીક ટીમો બનાવી (તેમાં અંધ મહિલાઓ માટે એક ફૂટબૉલ ટીમ પણ હતી), કેદીઓને તાલીમ આપી અને અસહાય મહિલાઓ અને છોકરીઓને રમતગમત અને શિક્ષણ દ્વારા મદદ કરી. તેઓ આર્જેન્ટિનામાં સૌ પ્રથમ મહિલા ફૂટબૉલ મૅનેજર્સ પૈકી એક છે. તેમણે એક આત્મકથા પ્રકાશિત કરી છે જેમાં તેમની સમાનતા માટેની લડતની વિગત આપવામાં આવી છે.

    > આપણી જાતિ (લિંગ) કે વંશના આધારે આપણું ભવિષ્ય નક્કી થવું ન જોઈએ. આ બહુ મુશ્કેલ માર્ગ છે. પરંતુ સંગઠિત વિશ્વના સામૂહિક સંઘર્ષ દ્વારા આપણે સમાનતા પ્રાપ્ત કરી શકીશું.

  • વેન્ડી બિટ્રિઝ કૈશપલ જૅકો

    અલ સાલ્વાડોર વિકલાંગ અધિકાર કાર્યકર્તા wendy_caishpal

    વેન્ડી કૈશપલ એ ઉદ્યોગસાહસિક, કાર્યકર્તા, પ્રેરણાદાયી વક્તા તથા વિકલાંગ લોકો અને સશસ્ત્ર સંઘર્ષમાં બચી ગયેલા લોકોના અધિકારોનાં પ્રવક્તા છે.

    તેઓ વીમેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑન લીડરશિપ ઍન્ડ ડિસેબિલિટી (WILD) અને ઇન્ટરનેશનલ મોબિલીટી યુએસએ ખાતે અલ સાલ્વાડોરનાં પ્રતિનિધિ છે. તેઓ મ્યુનિસિપલ પ્રોજેક્ટ ‘અહુચાપન વિધાઉટ બેરિયર્સ’નાં સ્થાપક અને ડિરેક્ટર છે જે વિકલાંગ લોકોના અધિકારોને પ્રોત્સાહન આપે છે તથા તેનું રક્ષણ કરે છે.

    > આપણે જે કરીએ છીએ અને જે રીતે કરીએ છીએ તેને પ્રેમ કરવો જોઈએ. ચાલો આપણે સામાજિક પરિવર્તનના સાધન બનીએ, ચાલો આપણે કામ કરીએ, લડીએ, પરિવર્તન લાવીએ. બધા લોકો લડશે તો વિશ્વને સુધારી શકાશે.

  • કેરોલિના કાસ્ત્રો

    આર્જેન્ટિના સંઘના નેતા

    કેરોલિના કાસ્ત્રો એ આર્જેન્ટાઇન ઇન્ડસ્ટ્રીયલ યુનિયન (યુઆઇએ)ના 130 વર્ષના ઇતિહાસમાં તેની ગવર્નિંગ પોઝિશન સુધી પહોંચનાર પ્રથમ મહિલા છે. જાહેર ચર્ચાનું જ્યાં ભારે ધ્રુવીકરણ થયું છે તેવા દેશમાં તેમના કાર્યએ તમામ પક્ષની અંદર જાતીય સમાનતાનો એજન્ડા આગળ ધપાવવામાં યોગદાન આપ્યું છે.

    કાસ્ત્રો એ કારના પાર્ટ્સનું ઉત્પાદન કરતી એક પારિવારિક કંપનીમાં ત્રીજી પેઢીનાં વડાં છે. તેમણે શોપ ફ્લોર પર મહિલા કામદારોને રાખવાની બધી પ્રચલિત માન્યતાઓ તોડી છે અને બજારની સરેરાશ કરતાં વધુ મહિલાઓને કામે રાખે છે. તાજેતરમાં તેમણે ‘રોમ્પિમોસ એલ ક્રાઇસ્ટલ’ (વી બ્રોક ધ ગ્લાસ) નામે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે બિઝનેસ, કળા, રાજકારણ અને વિજ્ઞાનના ક્ષેત્રે નામના મેળવનારી આર્જેન્ટિનાની 18 મહિલાઓ સાથેની વાતચીતનો સંગ્રહ છે.

    > સમાનતાના એજન્ડાને અસાધારણ લોકો આગળ નથી ધપાવતા પરંતુ આપણે બધા મળીને આ કામ કરીએ છીએ. તેમાં દરેક સમુદાય, દરેક લિંગના લોકો સામેલ છે અને આપણી કોશિશ રોજિંદા નાના નાના નિર્ણયોથી આગળ વધે છે.

  • ઍગ્નેસ ચાઉ

    હૉંગ કૉંગ લોકશાહી-સમર્થક કાર્યકર chowtingagnes

    23 વર્ષનાં ઍગ્નેસ ચાઉ હૉંગ કૉંગ ખાતે લોકશાહી સમર્થક કાર્યકર્તા છે. 2014ની અમ્બ્રેલા મૂવમૅન્ટ વખતે તેઓ કેન્દ્રસ્થાને હતાં. આ વર્ષ બેઈજિંગ દ્વારા નવા વિવાદાસ્પદ સુરક્ષા કાયદા હેઠળ કેટલાક ચળવળકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં ઍગ્નેસ પણ સામેલ હતાં. તેમની સામે ‘વિદેશી બળો’ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ મુકાયો હતો.

    તેમને ત્યાર પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે પરંતુ તેમની ધરપકડ સામે ભારે વિરોધ થયો હતો. તેઓ 15 વર્ષની વયથી રાજકારણમાં સક્રિય છે. પોતાના પરિવાર અને દેશને બચાવવા માટે લડત આપનારી દંતકથારૂપ ચાઇનીઝ નાયિકા પરથી તેમના ટેકેદારોએ તેમને ‘મુલાન’ નામ આપ્યું છે.

    > મહિલા નેતા હોવાથી મહિલાઓના અધિકારોમાં કોઈ ફાયદો થતો નથી. આપણને સિસ્ટમમાં પરિવર્તનની અને વાસ્તવિક લોકશાહીની જરૂર છે.

  • પેટ્રિશ ક્યુલર્સ

    યુએસ માનવાધિકાર કાર્યકર

    પેટ્રિશ ક્યુલર્સ એ કલાકાર, આયોજક, શિક્ષણશાસ્ત્રી અને લોકપ્રિય જાહેર વક્તા છે. તેઓ લોસ એન્જલસના નિવાસી, બ્લેક લાઇવ્સ મેટર ગ્લોબલ નેટવર્કનાં સહસ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા લોસ એન્જલસ સ્થિત સંગઠન ડિગ્નિટી એન્ડ પાવર નાઉનાં સ્થાપક છે.

    પેટ્રિશ હાલમાં એરિઝોનાની પ્રેસ્કોટ કૉલેજ ખાતે નવા સોશિયલ એન્ડ એન્વાયર્નમૅન્ટ આર્ટ્સ પ્રેક્ટિસ MFA પ્રોગ્રામના ફેકલ્ટી ડિરેક્ટર છે જે પ્રોગ્રામ તેમણે વિકસાવ્યો છે.

    > તમે તમારી શક્તિને કદી ન છોડો અને તમારી જાતે જ તમારી ખુશી શોધો. પરિવર્તનની માંગણી કરો. આ પરિવર્તન માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારી પાછળ આવનારી તમામ મહિલાઓ માટે હોવું જોઈએ.

  • ત્સિત્સિ ડેંગારેમ્બગા

    ઝિમ્બાબ્વે લેખિકા અને ફિલ્મમેકર

    ત્સિત્સિ એ વિવેચકો દ્વારા બિરદાવાયેલાં લેખિકા, ફિલ્મમેકર અને સાંસ્કૃતિક કાર્યકર્તા છે. તેમણે એવોર્ડ વિજેતા પુસ્તકો લખ્યાં છે. જેને ઝિમ્બાબ્વે ક્લાસિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમની ફિલ્મો વિશ્વભરના ફિલ્મ મહોત્સવોમાં દેખાડવામાં આવી છે. જેમાં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સામેલ છે. તેઓ હરારેમાં રહે છે અને આફ્રિકન મહિલા ફિલ્મ નિર્માત્રીઓ સાથે સ્થાનિક સ્તરે કામ કરે છે.

    આ વર્ષે ઝિમ્બાબ્વેમાં નાગરિક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. જેમાં પ્રદર્શનકારીઓએ સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ મૂક્યો હતો. જે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા તેમાં ત્સિત્સિ પણ સામેલ હતાં. તેમની સામે હિંસા માટે ઉશ્કેરવાનો અને કોરોના વાઇરસને અંકુશમાં રાખવા માટેના આરોગ્ય નિયંત્રણોનો ભંગ કરવાના આરોપ મૂકવામાં આવ્યા. બાદમાં તેમને જામીન પર છોડવામાં આવ્યાં હતાં. ત્સિત્સિએ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના સાથી લેખકોએ આ આરોપો રદ કરવાની માંગણી કરી છે

    > પરિવર્તનથી ગભરાવ નહીં. તેને એવું પરિવર્તન બનાવો જે તમારા માટે પણ સહજ હોય.

  • શનિ ધાંડા

    યુકે વિકલાંગ કાર્યકર્તા

    શનિ ધાંડા એ ઍવોર્ડ વિજેતા વિકલાંગતા વિશેષજ્ઞ અને સામાજિક ઉદ્યોગસાહસિક ગણાય છે. તેમને યુકેમાં સૌથી વધારે પ્રભાવશાળી વિકલાંગ વ્યક્તિઓ પૈકી એક ગણવામાં આવે છે. શનિએ ડાઇવર્સેબિલિટી કાર્ડ પહેલ, ધ એશિયન વુમન ફેસ્ટિવલ અને એશિયન ડિસેબિલિટી નેટવર્કની સ્થાપના કરી હતી અને તેનું નેતૃત્વ કરે છે.

    આ ત્રણેય પરિવર્તનકારી પ્લૅટફૉર્મ ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયને સશક્ત બનાવવાના સામાન્ય હેતુ સાથે કામ કરે છે.

    > વિશ્વ રોગચાળામાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બધા માટે એક સમગ્રલક્ષી અને ટકાઉ ભવિષ્યનું સર્જન કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે.

  • નાઓમી ડિકસન

    યુકે મુખ્ય વહીવટી અધિકારી

    નાઓમીએ પોતાનું વ્યાવસાયિક જીવન એવી યહુદી મહિલાઓ અને બાળકોની મદદ માટે સમર્પિત કર્યું છે જેઓ ઘરેલુ હિંસાનો ભોગ બન્યાં છે. તેઓ યહુદી સમુદાયને શિક્ષિત કરવાનું કામ કરે છે જેથી તેઓ મદદ માંગી શકે, જોખમના સંકેત આપી શકે તથા વર્તમાનમાં અને ભવિષ્યમાં ઘરેલુ હિંસાને અટકાવી શકે.

    જુઇસ વીમેન્સ એઇડના સીઈઓ તરીકે નાઓમીને તમામ ધર્મની મહિલાઓ સાથે કામ કરવાનું, સમુદાયોને શિક્ષિત કરવાનું ગમે છે. મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હિંસા ચલાવી ન લે તેવા વિશ્વનું સર્જન કરવા માટે તેઓ ધાર્મિક વડાઓ સાથે કામ કરે છે.

    > 2020માં આ દુનિયા ઘણી બદલાઈ ગઈ છે અને આપણે પોતાની પ્રતિકાર ક્ષમતા વિકસાવતા શીખી ગયા છીએ જેથી બીજાને મદદ કરી શકાય.

  • કૅરેન ડોલ્વા

    નૉર્વે સંશોધક

    કેરન ડોલ્વા એ ‘નો આઇસોલેશન’ નામના ઓસ્લો સ્થિત સ્ટાર્ટઅપનાં સીઈઓ અને સહસ્થાપક છે. જેની સ્થાપના ઑક્ટોબર 2015માં થઈ હતી. તેનું મિશન ટેક્નૉલૉજી અને જ્ઞાનની મદદથી લોકોને પરસ્પર નજીક લાવવાનું છે.

    આજની તારીખ સુધીમાં આ કંપનીએ બે પ્રોડક્ટ વિકસાવી છે: AV1 જે એક ટેલિપ્રેઝન્સ અવતાર છે અને તે લાંબા ગાળાની બીમારીથી અસર પામેલા બાળકો તથા પુખ્તવયના લોકોમાં એકલતા દૂર કરે છે. બીજી પ્રોડક્ટ KOMP છે જે એક બટનથી સંચાલિત કૉમ્યુનિકેશનનું સાધન છે અને ખાસ કરીને વૃદ્ધો તેનો ઉપયોગ કરી શકે તે માટે વિકસાવાયું છે.

    > આપણે લડત અટકાવવા માટે કોવિડ-19નું બહાનું ન આપી શકીએ. આ જાગવાનો સમય છે. સૌથી વધુ નબળા લોકોને હંમેશાં સૌથી સખત ફટકો પડે છે. આપણે પરિવર્તન લાવવા અને જોખમમાં હોય તેવા લોકોના રક્ષણ માટે આ સમયનો ઉપયોગ કરવો જોઈએ.

  • ઇલવાદ એલમન

    સોમાલિયા શાંતિ કાર્યકર

    ઇલ્વાદ એલ્મનને સોમાલી શાંતિ પ્રક્રિયામાં અગ્રેસર યુવા મહિલા આગેવાન તથા સંઘર્ષ ખતમ કરવા અને સમુદાયો વચ્ચે શાંતિ સ્થાપવામાં વિશ્વ નેતા માનવામાં આવે છે..

    માત્ર 20 વર્ષની વયે તેમણે સોમાલિયાના પ્રથમ રેપ ક્રાઇસિસ સેન્ટરની સહસ્થાપના કરી હતી. છેલ્લા દાયકામાં ઇલ્વાડ સંઘર્ષથી અસર પામેલા તમામ લોકો, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને તેમાં સ્થાન અપાવીને શાંતિ સ્થાપવાના હિમાયતી બન્યાં છે.

    > આ રોગચાળાએ સમગ્ર વિશ્વને કરૂણાનો પાઠ ભણાવ્યો છે. આપણે જોયું કે બીજા લોકો જ્યાં નિષ્ફળ રહ્યા ત્યાં મહિલાઓએ આગેવાની લીધી છે. નેતૃત્ત્વ કરતી મહિલાઓને બીજું સ્થાન આપવાના બદલે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ.

  • જિયોંગ ઇયુન-ક્યોંગ

    દક્ષિણ કોરિયા કેડીસીએ કમિશનર

    ડો. જિયોંગ ઇયુન-કિયોંગને ‘વાઇરસ હન્ટર’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે કોવિડ-19 રોગચાળા સામે સાઉથ કોરિયાની કામગીરીની આગેવાની લીધી છે.

    તેઓ કોરિયા ડિસિઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (કેડીસીએ)નાં વર્તમાન કમિશનર છે અને અગાઉ કેડીસીએનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ આ રોગચાળા અંગે દૈનિક માહિતી આપવામાં પોતાની પારદર્શિતા માટે તથા તેઓ જે શાંતિ પ્રસ્થાપિત કરે છે તેના માટે જાણીતાં છે.

    > આ રોગચાળાનો સામનો કરવા માટે પોતાની જાતને સમર્પિત કરનારા તમામ હેલ્થકેર કામદારોને હું હૃદયપૂર્વક બિરદાવું છું. રોગચાળા સામેની ક્ષમતાઓને મજબૂત બનાવીને હું આ વિશ્વને વધુ સુરક્ષિત બનાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.

  • ફૅંગ ફૅંગ

    ચીન લેખિકા

    ફેંગ ફેંગનું અસલ નામ વેંગ ફેંગ છે અને તેઓ ઍવોર્ડ વિજેતા ચાઇનીઝ લેખિકા છે. જેમણે 100થી વધુ કૃતિ તૈયાર કરી છે. આ વર્ષે તેમણે વુહાનમાં બનેલી ઘટનાઓનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું. જ્યાં કોરોના વાઇરસ સૌપ્રથમ મળી આવ્યો હતો. તેમની ડાયરીએ કરોડો ચાઇનીઝ લોકોને આ શહેર વિશે દુર્લભ માહિતી આપી છે. તેમણે દૈનિક જીવનના પડકારોથી લઈને ફરજિયાત આઇસોલેશનની મનોવૈજ્ઞાનિક અસરો સુધીના વિષયો પર લખ્યું છે.

    તેમની ડાયરીના અંગ્રેજીમાં અનુવાદ બાદ તેને વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તે સાથે તેમના અહેવાલોની ઑનલાઇન ટીકા શરૂ થઈ ગઈ હતી. ચીનમાં ઘણા લોકો તેમનાથી નારાજ થયા હતા અને કેટલાકે તેમને દેશદ્રોહીનું બિરુદ પણ આપ્યું હતું.

    > તમે તમારી સ્વતંત્ર ઓળખ બનાવો.

  • સોમાયા ફારુકી

    અફઘાનિસ્તાન રોબૉટિક્સ ટીમનાં લીડર

    સોમાયાના હેરાત પ્રાંતમાં અફઘાનિસ્તાનનો કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો ત્યારે તેઓ અને તેમની સંપૂર્ણ મહિલાઓની બનેલી રોબૉટિક્સ ટીમ – ‘ધ અફઘાન ડ્રીમર્સ’એ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે ઓછા ખર્ચના વૅન્ટિલેટર બનાવવા માટે કામ શરૂ કરી દીધું હતું.

    સોમાયા અને તેમની ટીમ જાહેર આરોગ્ય મંત્રાલયને તેમની ડિઝાઇન દર્શાવવાનું આયોજન ધરાવે છે. પ્રોટોટાઇપને મંજૂરી મળી જશે તો અંતરિયાળ વિસ્તારની હૉસ્પિટલોમાં તેનો ઉપયોગ કરી શકાશે. 2002માં જન્મેલા સોમાયાએ ઘણા ઍવૉર્ડ જિત્યા છે. જેમાં અમેરિકામાં ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જ ખાતે ‘કરેજિયસ એચિવમૅન્ટ’ માટે સિલ્વર મેડલ, વર્લ્ડ સમિટ AI ખાતે ‘બેનિફિટિંગ હ્યુમેનિટી ઇન AI’ ઍવૉર્ડ, રો સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ‘જેનેટ ઇવે ડ્યુનસિંગ્સ પરમિશન ટુ ડ્રીમ ઍવૉર્ડ’ અને ઇસ્ટોનિયામાં યુરોપના સૌથી મોટા રોબૉટિક્સ ફેસ્ટિવલ ‘રોબૉટેક્સ’ ખાતે ‘આંત્રપ્રિન્યોરશિપ ચેલેન્જ’નો સમાવેશ થાય છે.

    > આપણા ભવિષ્યની ચાવી એ શિક્ષણ છે જે આપણે આજે આપણા છોકરા અને છોકરીઓને આપી રહ્યા છીએ. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થાય, અને તેમનાં સ્વપ્ન સાકાર કરવા માટે દરેક આવશ્યક સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવે.

  • એલીન ફ્લિન

    રિપબ્લિક ઑફ આયરલૅન્ડ સેનેટર

    એલીન ફ્લિને આ વર્ષે આયરિશ સંસદના ઉપલા ગૃહ સિનેડ આયરિયેનમાં પ્રવેશ મેળવીને આયરિશ પ્રવાસી સમુદાયની પ્રથમ મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે.

    હવે તેઓ આયરિશ પ્રવાસીઓ અને બીજા વંચિત સમુદાયના લોકોને મદદ કરવા માટે પોતાની ભૂમિકાનો ઉપયોગ કરે છે. તેઓ રિપબ્લિક ઑફ આયર્લૅન્ડમાં હેટ ક્રાઇમ (નફરત ફેલાવવાના ગુના) વિરોધી કાયદો લાવવા માંગે છે.

    > એકબીજાની કાળજી રાખો, એકબીજાને મદદ કરો. બીજી મહિલાને પછાડવાનો પ્રયાસ ન કરો. બીજાની મીણબત્તી ઓલવી દેવાથી તમારી મીણબત્તી વધુ જ્વલંત નહીં થાય. આપણે સંગઠીત થઈશું ત્યારે આપણી જ્યોતિ આ દુનિયામાં હલચલ મચાવી દેશે.

  • જેન ફોન્ડા

    અમેરિકા અભિનેત્રી

    જેન ફોન્ડા ઑનસ્ક્રીન પ્રદર્શન બદલ બે વખત ઑસ્કાર ઍવૉર્ડ જીતી ચૂક્યાં છે. ક્લ્યૂટ, કમિંગ હોમ, ઑન ગોલ્ડન પૉન્ડ અને 9 ટુ 5 જેવી ફિલ્મોમાં અભિનય માટે તેઓ ખૂબ જાણીતાં છે. હાલ તેઓ નેટફ્લિક્સની 'ગ્રેસ ઍન્ડ ફ્રૅંકી' નામની વેબસીરીઝમાં કામ કરી રહ્યાં છે.

    ઑફસ્ક્રીન, 50 વર્ષથી વધારે સમયથી તેઓ એક એવાં સામાજિક કાર્યકર રહ્યાં છે જેઓ અનેક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવતાં રહ્યાં છે. જેમકે મહિલા અધિકારથી લઈને ટિપ્સ પર ગુજારો કરતાં કામગારો માટે સમાન પગારનો મુદ્દો. હાલમાં તેઓ ગ્રીનપીસ સાથે ફાયર ડ્રિલ ફ્રાઇડેઝ અભિયાનમાં જોડાયાં હતાં. જેમાં દર અઠવાડિયે ક્લાઇમેટ ચેન્જના વધતા સંકટો વિશે લોકોને જાગરૂક કરવા અને પ્રદર્શન કરવા માટે કાર્યક્રમ ગોઠવવામાં આવે છે.

    > વિજ્ઞાન ધારે છે તેના કરતાં આ દુનિયાનું તાપમાન વધારે ઝડપથી વધી રહ્યું છે. માનવતા સામે અસ્તિત્વનુંં સંકટ ઊભું છે. આ સહિયારું સમાધાન હશે. મહિલાઓ આ સમજે છે. મહિલાઓ સમજે છે કે આપણે બધાં એકબીજાં પર નિર્ભર છીએ. મહિલાઓ ક્લાઇમેટ ક્રાઇસિસનો ભોગ બને છે અને તેમણે જ આ સંકટનું સમાધાન શોધવું પડશે. આ સમાધાન માટે આપણે બધાં ઊભાં થઈએ.

  • કિરણ ગાંધી

    અમેરિકા ગાયિકા

    કિરણ ગાંધી, મેડમ ગાંધીના નામે કાર્યક્રમ કરે છે. તેઓ સંગીતકાર અને ગાયિકા છે. કલાકાર અને ચળવળકર્તા પણ છે. તેમનો ઉદ્દેશ લૈંગિક સ્વતંત્રતા માટે માટે અવાજ ઉઠાવવાનો છે. તેઓ MIA અને થિવરી કોર્પોરેશન વગેરે સાથે જુદી જુદી જગ્યાએ શો કરી રહ્યા છે.

    આ અગાઉ તેઓ 'માસિકસ્ત્રાવ ચાલુ હોય' તેવી અવસ્થામાં લંડન મેરેથોનમાં દોડ્યાં હતાં. જેથી માસિકસ્ત્રાવ અંગેના રૂઢિવાદી વિચારો બદલી શકાય.

    > આપણામાંથી ઘણા લોકોએ ઘરેથી કામ કરવા માટે પોતાના બિઝનેસને નવેસરથી ડિઝાઇન કરવો પડ્યો છે. તેથી આપણે પેરન્ટીંગ અંગે તંદુરસ્ત વલણ અપનાવતા થયા છીએ. આપણે સિસ્ટમને નવેસરથી ડિઝાઇ કરીને તેને આપણા માટે કામ કરતી કરવાની શક્તિ ધરાવીએ છીએ.

  • લૉરેન ગાર્ડનર

    અમેરિકા વૈજ્ઞાનિક

    લૉરેન ગાર્ડનર એ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ખાતે એન્જિનિયરિંગનાં પ્રોફેસર અને સેન્ટર ફૉર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ખાતે કો-ડિરેક્ટર છે.

    ગાર્ડનરે કોવિડ-19 રોગચાળાને ટ્રેક કરવાની સિસ્ટમ બનાવનાર ટીમની આગેવાની લીધી હતી. કોવિડ-19 કેસ ડેટા માટે તે સૌથી વિશ્વસનીય સ્રોત છે. સમગ્ર વિશ્વની સરકારો, ચેપી રોગના સંશોધનકર્તાઓ અને મીડિયા સંગઠનો તેનો ઉપયોગ કરે છે.

    > મંજૂરીની રાહ ન જુઓ. તમારું સ્થાન સંભાળો અને કાર્યવાહી કરો.

  • એલિસિયા ગાર્ઝા

    અમેરિકા માનવાધિકાર કાર્યકર

    એલિસિયા ગાર્ઝા એક આયોજનકર્તા, રાજકીય સ્ટ્રેટેજિસ્ટ અને ‘ધ પર્પઝ ઑફ પાવરઃ હાઉ વી કમ ટુગેધર વ્હેન વી ફોલ અપાર્ટ’ના લેખક છે.

    તેઓ ‘બ્લેક ફ્યુચર્સ લેબ’ અને ‘બ્લેક ટુ ધ ફ્યુચર એક્શન ફંડ’નાં પ્રિન્સિપાલ, ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ અને ‘બ્લેક લાઇવ્ઝ મેટર ગ્લોબલ નેટવર્ક’નાં સહ-સર્જક, ‘નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ એલાયન્સ’ ખાતે સ્ટ્રેટેજી અને પાર્ટનરશિપ ડિરેક્ટર, ‘સુપરમેજોરિટી’નાં સહસ્થાપક અને ‘લેડી ડોન્ટ ટેક નો પોડકાસ્ટ’નાં હોસ્ટ છે.

    > પગ જમીન પર, માથું આકાશમાં, નજર ઇનામ પર

  • ઇમાન ગાલિબ અલ-હમલી

    યમન માઇક્રોગ્રિડ મૅનેજર

    યમનમાં જ્યાં વિનાશક ગૃહયુદ્ધ જ્યાં ચાલી રહ્યું છે ત્યાંથી માત્ર 20 માઇલના અંતરે ઇમાન 10 મહિલાઓના એક જૂથનું નેતૃત્વ કરે છે. જેણે સોલર માઇક્રોગ્રિડ સ્થાપી છે અને સ્વચ્છ, લો-ઇમ્પેક્ટ વીજળી પૂરી પાડે છે.

    માઇક્રોગ્રિડ એ યુનાઇટેડ નેશન્સ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ હેઠળ યમનના ઑફ-ગ્રીડ વિસ્તારમાં સ્થપાયેલ ત્રણ પૈકી એક છે. તે એકમાત્ર એવી ગ્રિડ છે જે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. શરૂઆતમાં પુરુષોનું કામ કરવા બદલ ઇમાનની ટીમની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી તેમણે સમુદાયમાં સન્માન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે પોતાના માટે સ્થિર આવક મેળવી છે અને નવી પ્રોફેશનલ સ્કિલ વિકસાવી છે.

    > યમનની તમામ છોકરીઓને મારો સંદેશ છે કે તમારાં સ્વપ્નો પૂરાં કરો. સ્વપ્નો સાકાર કરવા માટે તેઓ આત્મવિશ્વાસથી છલકાતી હોવી જોઈએ અને તેમના જીવનની દરેક મુશ્કેલીઓને પડકારવા સજ્જ હોવી જોઈએ.

  • સારા ગિલબર્ટ

    યુકે વૈજ્ઞાનિક

    ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ નવા કોરોના વાઇરસની જિનેટિક વિગતો જાહેર કરતાની સાથે જ સારા અને ઑક્સફર્ડ ખાતે તેમની ટીમે તાત્કાલિક કામ શરૂ કરી દીધું હતું. તેમણે કોવિડ-19ની એક રસી તૈયાર કરી છે જે હાલમાં ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં છે.

    માઇક્રોબાયૉલૉજી, બાયૉકૅમિસ્ટ્રી, મોલેક્યુલર વાઇરોલૉજી અને વેક્સિનોલૉજીની તાલીમ ધરાવતા વૈજ્ઞાનિક તરીકે સારા 2014થી ઊભરતી બીમારીઓની સામે રસી વિકસાવવા સાથે સંકળાયેલાં છે.

    > આપણે આ વર્ષનો મુશ્કેલ તબક્કો પાર કરી જઈએ તેટલાં સક્ષમ હોઈ શકીએ છીએ. હવે સૌથી મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. તે છેઃ આરોગ્ય, શિક્ષણ અને બીજા સાથે સારા સંબંધો.

  • મેગી ગોબ્રાન

    ઇજિપ્ત કૉપ્ટિક નન stephenschildrenus

    મામા મેગી ગોબ્રાને તેમનું જીવન ઇજિપ્તમાં ગરીબ વર્ગના બાળકોનું જીવન સુધારવા માટે સમર્પિત કર્યું છે. નાણાકીય સદ્ધરતા અને જ્વલંત શૈક્ષણિક કારકિર્દી છોડીને તેમણે પોતાની તમામ ઊર્જા અને સંસાધનો આવા બાળકોને શોધવા, તેમના પગ ધોવા અને તેમની આંખોમાં જોઈને તેમનું જીવન મહત્ત્વનું છે તે જણાવવા પાછળ ખર્ચ કર્યાં છે.

    1989થી મામા મેગી અને તેમની ટીમે એક સમગ્રલક્ષી વલણ અપનાવ્યું હતું જેણે હજારો બાળકોનું જીવન બદલ્યું છે, તેમને મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી, શિક્ષણ, આરોગ્ય અને સૌથી વધુ મહત્ત્વનું ગૌરવ પ્રદાન કર્યું છે.

    > તમે જ્યારે તમારી જાતમાં ઓતપ્રોત થઈ જાવ ત્યારે તમે સ્વર્ગ અને પૃથ્વી સાથે ઓતપ્રોત થાવ છો.

  • રેબેકા ગ્યુમી

    તાંઝાનિયા વકીલ

    રેબેકા ગ્યુમી એ છોકરીઓના અધિકારી માટે કામ કરતા એક સ્થાનિક એનજીઓ સિચાના ઇનિશિયેટિવનાં સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓ જાતીય સમાનતાનાં હિમાયતી છે અને રાષ્ટ્રીય તથા પાયાના સ્તરે આ મુદ્દે નાની બાળકીઓ સાથે કામ કરવાનો વિશાળ અનુભવ ધરાવે છે.

    2019માં સિચાના ઇનિશિયેટિવે તાન્ઝાનિયામાં કોર્ટ ઑફ અપીલમાં એક મહત્ત્વનો કેસ જિત્યો હતો. જેમાં લગ્ન માટે લઘુતમ વય વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી અને બાળલગ્નો પર પ્રતિબંધ મુકાયો હતો.

    > સંજોગો જ્યારે વિકટ હોય ત્યારે મજબૂત વ્યક્તિ જ આગળ વધે છે. લડત ચાલુ રાખવાની, પ્રવાસ આગળ વધારવાની, આપણો અવાજ ઉઠાવવાની અને જાતીય સમાનતા પ્રાપ્ત થાય ત્યાં સુધી યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવીએ.

  • ડેટા હેડમૅન

    જમૈકા ડાર્ટ્સ ચૅમ્પિયન

    ડેટાએ રોયલ મેઇલ ખાતે 22 વર્ષ સુધી કામ કર્યું છે. તેમણે 215 ટાઇટલ જિત્યાં છે. જે આ રમતમાં બીજા ક્રમે સૌથી મોટો આંકડો છે. માત્ર ફિલ ટેલરે તેમને હરાવ્યાં છે. તેઓ 341 ફાઇનલમાં રમી ચૂક્યાં છે જે ડાર્ટના ઇતિહાસમાં સૌથી વધુ છે. ડેટા 1973માં ઇંગ્લેન્ડ આવ્યાં હતાં અને હાલમાં ઇંગ્લેન્ડ ડાર્ટનાં કેપ્ટન છે.

    તેઓ હાર્ટ ઑફ ડાર્ટ્સ ચેરિટીનાં ઍમ્બૅસૅડર, ઇંગ્લૅન્ડના યુથ ડાર્ટ ઍમ્બૅસૅડર છે અને વર્લ્ડ ડાર્ટ ફેડરેશનના બોર્ડમાં એથલેટ્સનાં પ્રતિનિધિ તરીકે સ્થાન ધરાવે છે. તેમને 11 વખત વર્લ્ડ નંબર વનનું રેન્કિંગ મળ્યું છે. ઇંગ્લૅન્ડની લેડીઝ ટીમમાં તેઓ બીજા ક્રમનાં મોસ્ટ કેપ્ડ પ્લેયર છે.

    > હું તમામ મહિલાઓને વિનંતી કરીશઃ તમારાં સ્વપ્ન સાકાર કરવા માટે કામ કરો અને ક્યારેય હાર ન માનો. ઉંમર, લિંગ કે વંશ એ નિષ્ફળતાનું કારણ નથી હોતાં. તમે અહીં માત્ર એક વખત છો- તેનો મહત્તમ ઉપયોગ કરો. #ભરોસો રાખો.

  • મુયસ્સર અબ્દુલએહેદ

    ચીનના ઘુલજા (ચાઇનીઝ ભાષામાં યિનિંગ)થી નિર્વાસિત વીગર મહિલા લેખિકા

    મુયસ્સર અબ્દુલએહેદ પોતાના ઉપનામ હેન્ડનથી વધારે ઓળખાય છે. તેમણે મેડિસિનનો અભ્યાસ કરતી વખતે એક કવિયત્રી અને નિબંધકર્તા તરીકે નામના મેળવી છે. તેમણે પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી તે પહેલાં તેમણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ધાર કર્યો હતો. 2013માં તુર્કી સ્થળાંતર કર્યા બાદ હેન્ડને આયહાન ઍજ્યુકેશનની સ્થાપના કરી હતી. જે દેશથી બહાર વસતા વીગર લોકોને વીગર ભાષા શીખવવા માટે કામ કરતું સંગઠન છે. હાલમાં તેઓ ઇસ્તંબુલમાં રહે છે.

    હેન્ડનના તાજેતરના લેખનમાં તેમના વતનની કટોકટીભરી સ્થિતિ જાણવા મળે છે. તેમની પ્રથમ નવલકથા ખૈયર-ખોશ, કુયાશ (સુરજને અલવિદા) એ વીગર પ્રાંતમાં રહેલા નજરબંધી કૅમ્પ પર ધ્યાન આપતી પ્રથમ ફિક્શન કૃતિ છે.

    > બાળકો હંમેશાં કોઈ પણ દેશ માટે આશા સમાન હોય છે. આ આશાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે શિક્ષણની જરૂર પડે છે.

  • ઉએદુ ઇકપે-એટિમ

    નાઇજીરિયા ફિલ્મમેકર

    ઉએદુ ઇકપે-એટિમ એ મહિલાવાદી ફિલ્મ નિર્માતા, ડિરેક્ટર અને LGBTQ+ કાર્યકર્તા છે, જેઓ નાઇજીરિયામાં કચડાયેલા વર્ગ વિશે વાર્તાઓ રચવા માટે પ્રતિબદ્ધ છે.

    તેમની ફિલ્મ ઈફ, જેનો અર્થ યુરુબુમાં 'પ્રેમ' થાય છે, તેમાં નાઇજીરિયાના બે લેસ્બિયનોની કહાણી છે. જેઓ આ દેશની અત્યંત મુશ્કેલ, હોમોફોબિક વાસ્તવિકતાઓનો અનુભવ કરે છે. આ ફિલ્મ રિલિઝ થવાની છે તેવી જાહેરાત પછી નાઇજીરિયામાં તેના પર સરકારે સેન્સરશિપ લાગુ કરી છે. નાઇજીરિયામાં સજાતિય સંબંધો એ અત્યંત વિવાદાસ્પદ મુદ્દો છે.

    > મહિલાઓ, મહેરબાની કરીને તમારું સ્થાન જાળવી રાખો અને જેમનો અવાજ છીનવી લેવાયો છે તેમની કહાણી રજૂ કરવાનું બંધ ન કરો.

  • મિહો ઇમાદા

    જાપાન દારૂ બનાવવામાં માસ્ટર

    જાપાનમાં ચોખામાંથી દારૂ બનાવવાનો વ્યવસાય એટલે કે સાકે બ્ર્યૂઇંગમાં અનેક સદીઓથી પુરુષોનો દબદબો રહ્યો છે. જાપાનના દારૂના કારખાનામાં મહિલાઓને પગ મૂકવાનો પણ પ્રતિબંધ હતો.

    જ્યારે તેમના ખાનદાની દારૂ કારખાનામાંથી મુખ્ય પુરુષ દારૂ નિર્માતા નિવૃત થઈ ગયા તો મિહોએ ખુદે આ કામની તાલીમ લેવાનું અને દારૂનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. જેઓ જાપાનની ગણનાપાત્ર મહિલા દારૂ નિર્માતાઓમાંનાં એક છે. જાપાનમાં હાલ ઓછામાં ઓછાં 20 સાકે બ્રુઅરિયાં મહિલાઓ ચલાવી રહી છે.

    > તમે તમારું જીવન સમર્પિત કરી શકાય તેવું કામ શોધી શકો, તો તમારી જાતને તેમાં ઓતપ્રોત કરી દો. તમે તમારા પસંદ કરાયેલા વ્યવસાયમાં સન્માન અને પ્રામાણિકતાથી આગળ વધશો તો તમે તમારા લક્ષ્ય સિદ્ધ કરી શકશો.

  • ઇસાઇવાની

    ભારત સંગીતકાર isaivaniisaiv

    ઇસાઇવાની ભારતનાં એક લોકપ્રિય ગાયિકા છે. ગાના સંગીત એ તમિલનાડુમાં ઉત્તર ચેન્નાઈમાં કામદારોના વિસ્તારમાંથી ઊભરી આવેલી સંગીતકળા છે. ઇસાઇવાની પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં વર્ષોથી ગીતો ગાઈ અને શો કરીને આગળ આવ્યાં છે.

    પુરુષ ગાયક જ્યાં પરફૉર્મન્સ કરતા હોય તે મંચ પર કળા રજૂ કરવી એ એક સિદ્ધિ સમાન છે. ઇસાઇવાનીએ સદીઓ જૂની પરંપરા સફળતાપૂર્વક તોડી છે અને તેના કારણે બીજી ગાયિકાઓ પણ આગળ વધીને પોતાની જાતને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહીત થઈ છે.

    > 2020માં વિશ્વ ઘણું બદલાયું છે પરંતુ મહિલાઓ માટે વિશ્વ દરરોજ બદલાઈ રહ્યું છે. મહિલાઓએ સંવાદ બદલ્યો છે અને રૂઢિઓને પડકારી છે. આ પ્રક્રિયા આગામી પેઢીઓ સુધી સતત ચાલુ રહેશે.

  • માનસી જોશી

    ભારત ઍથ્લીટ

    માનસી એ ભારતીય પેરા-ઍથ્લીટ અને હાલમાં પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન છે. જૂન 2020માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને SL3 સિંગલ્સમાં તેમને વિશ્વમાં બીજા ક્રમનું રેન્કિંગ આપ્યું હતું. માનસી એક એન્જિનિયર તથા ચેન્જ-મેકર છે.

    તેઓ ભારતમાં વિકલાંગતા અને પેરા-સ્પોર્ટ્સ પ્રત્યેના અભિગમમાં પરિવર્તન લાવવા માંગે છે. તાજેતરમાં ટાઇમ મેગેઝિન દ્વારા તેમને નેક્સ્ટ જનરેશન લીડર તરીકે જાહેર કરાયાં હતાં અને ભારતમાં વિકલાંગ લોકોના અધિકારોના હિમાયતી તરીકે ટાઇમ મેગેઝિનની એશિયા આવૃતિના મુખપૃષ્ઠ પર ચમક્યાં હતાં.

    > આ વર્ષ મહિલાઓ માટે અનેક રીતે પડકારજનક રહ્યું છે. મુશ્કેલ સમયને તમારા પર હાવી થવા ન દેશો. દરેક સંભાવનાઓ શોધતા રહો. દરરોજ તમારી જાતને થોડો સમય આપો.

  • નદીન કાદાન

    ફ્રાન્સ લેખિકા/ઇલસ્ટ્રેટર

    સીરિયામાં રહેનારાં નદીન કાદન આઠ વર્ષની વયથી જ કહાણીઓ લખી રહ્યાં છે અને તેમનું ચિત્રાંકન કરે છે. મોટા થવાની સાથે સાથે તેમણે જોયું કે પુસ્તકોમાં બાળકોનું પ્રતિનિધિત્વ ઓછું છે. તેથી તેમણે એવી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું જેમાં દરેક બાળક પોતાની જાતને રજૂ થતાં જોઈ શકે.

    પોતાના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત થઈને અને આરબ જગતમાં વાંચનનો શોખ ફેલાવવાની મહેચ્છા સાથે તેમણે એવી વાર્તાઓ લખી જેમાં વિશેષ જરૂરિયાત ધરાવતાં બાળકો અને મધ્યપૂર્વમાં સંઘર્ષની વાતો રજૂ કરવામાં આવે છે.

    > યુદ્ધ હોય કે કોવિડ-19 હોય, મહિલાઓ શાંતિસ્થાપક અને લીડર તરીકે કામ કરી રહી છે. સિસ્ટમનું માળખું અમારી વિરુદ્ધ હોવા છતાં મહિલાઓ પોતાની જાતને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકે તે માટે સિસ્ટમને નવેસરથી ડિઝાઇન કરવાનો સંઘર્ષ જારી રહેવો જોઈએ.

  • મુલેંગા કાપ્વેપ્વે

    ઝામ્બિયા કલાકાર અને ક્યૂરેટર

    મુલેંગા એમપુંડુ કાપ્વેપ્વે ઝામ્બિયન વીમેન્સ હિસ્ટ્રી મ્યુઝિયમનાં સહ-સ્થાપક છે. 2020માં રાષ્ટ્રનિર્માણમાં ઝામ્બિયન મહિલાઓના યોગદાનને સ્મૃતિમાં સાચવવા બદલ તેને બિરદાવવામાં આવ્યાં છે. તેમણે ઝામ્બિયાની રાજધાની લુસાકામાં બાળકો માટે લાઇબ્રેરીઓ પણ સ્થાપી છે.

    તેમણે 2004થી 2017 સુધી નેશનલ આર્ટ્સ કાઉન્સિલ ઑફ ઝામ્બિયાનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેમણે નૃત્ય, લેખન, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રનાં વિવિધ સંગઠનોમાં પેટ્રન તરીકે સેવા આપી છે.

    > પરિવર્તનને તમારા માટે તક બનાવો.

  • જેમિમા કારિયુકી

    કેન્યા ડૉક્ટર

    ડો. જેમિમા કારિયુકી પ્રિવેન્ટિવ મેડિસિન અંગે જુસ્સાભેર કામ કરી રહ્યાં છે, ખાસ કરીને મેટરનલ અને બાળ આરોગ્યના ક્ષેત્રે. તેઓ પીસ ક્લબ (2007માં ચૂંટણી પછીની હિંસા બાદ શરૂ થયેલી) અને પબ્લિક હેલ્થ ક્લબ (જે સર્વાઇકલ કેન્સર વિરોધી અભિયાન ચલાવવામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે)ના સ્થાપક છે.

    ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકૉલૉજીના વિદ્યાર્થી તરીકે તેમણે જોયું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન, ખાસ કરીને કર્ફ્યૂ વખતે મહિલાઓને દાખલ કરવાનું પ્રમાણ ઘટ્યું હતું. જ્યારે તેમની તકલીફોનું પ્રમાણ વધ્યું હતું. પરિવહન સુવિધા મર્યાદિત થવાના કારણે આરોગ્ય સુવિધાને અસર થઈ છે તે વાત સમજ્યા પછી તેમણે એક ઉપાય રજૂ કર્યોઃ લાઇસન્સ ધરાવતાં વાહનો જે મહિલાઓને તેમના ઘરેથી હૉસ્પિટલ લઈ જશે. તેના કારણે મફતમાં ઍમ્બુલન્સ સેવા 'વ્હીલ્સ ફૉર લાઇફ'નો પ્રારંભ થયો.

    > આ રોગચાળાએ બધાને અસર કરી છે. તમે એકલા નથી. આમ છતાં તમને દરરોજ પરેશાન કરતા વિચાર પર ધ્યાન આપો. પ્રતિભાવ આપતા ગભરાવ નહી. તમે કદાચ કોઈ બીજાની સમસ્યાના જવાબ હોઈ શકો છો.

  • ગુલસુમ કાવ

    તુર્કી સામાજિક ન્યાય કાર્યકર

    ગુુલસુમ કાવ એ તુર્કીનાં ડૉક્ટર, શિક્ષણવિદ્ અને 'વી વીલ સ્ટોપ ફેમિસાઇડ'નાં સહ-સ્થાપક છે. છેલ્લા એક વર્ષમાં બાળકીઓને મારી નાખવાના દરમાં વધારો અને ઇસ્તંબુલ કન્વેન્શનને નાબૂદ કરવો કે નહીં તે અંગેની સંસદીય ચર્ચાની તુર્કીમાં વ્યાપક ટીકા થઈ છે. ઇસ્તંબુલ કન્વેન્શન એ ઘરેલુ હિંસાના પીડિતોના રક્ષણ માટે કાનૂની માળખું છે.

    ગુલસુુમ તુર્કીમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અથાક મહેનત કરે છે. મહિલાઓને મારી નાખવાના કારણે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવા પરિવારોની તરફેણમાં કામ કરે છે.

    > પ્રતિકાર કરતી મહિલાઓ આજે સમાનતા અને સ્વતંત્રતા ઇચ્છે છે. રોગચાળાએ મહિલાઓ દ્વારા અનુભવવામાં આવતી અસમાનતા પર પ્રકાશ ફેંક્યો છે. તેણે દર્શાવ્યું છે કે પરિવર્તન ઝંખતી મહિલાઓ પાસે બીજો કોઈ રસ્તો નથી.

  • જૅકી કે

    યુકે કવિયિત્રી

    જૅકી કે સ્કૉટલૅન્ડનાં કવયિત્રી, નાટ્યકાર અને નવલકથાકાર છે. તેમની આત્મકથા 'રેડ ડસ્ટ રોડ'માં તેમણે પોતાના બાયૉલૉજિકલ માતાપિતાની શોધની વિગત આપી છે. લેખિકાએ તેને પોતાને દત્તક લેનાર શ્વેત માતાપિતાનો 'પ્રેમપત્ર' ગણાવ્યો છે. 2016માં તેમને સ્કોટ્સ મેકર – સ્કૉટલૅન્ડનાં રાષ્ટ્રીય કવિ જાહેર કરાયાં હતાં.

    તેઓ યુનિવર્સિટી ઑફ સ્કૉટલૅન્ડનાં ચાન્સેલર છે. તેઓ પોતાની કૃતિઓ બદલ ઘણાં ઇનામ જિત્યાં છે. 2020માં તેમને સાહિત્યની સેવા બદલ CBEથી સન્માનિત કરાયાં હતાં.

    > આપણે ક્યારેય આશા છોડવી ન જોઈએ, વિશ્વભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ મારામાં ભવિષ્ય માટે એક વિચિત્ર આશાવાદ ભરી દીધો છે.

  • સાલ્સાબિલા ખૈરુનિસ્સા

    ઇન્ડોનેશિયા પર્યાવરણ કાર્યકર jaga_rimba

    સાલ્સાબિલા એ ઇન્ડોનેશિયામાં જાકાર્તા સ્થિત 17 વર્ષીય વિદ્યાર્થિની છે. જંગલ કાપવાના વિરોધમાં તેઓ દર શુક્રવારે પર્યાવરણ અને વન મંત્રાલયની ઑફિસ સામે શાળાનાં આંદોલનની આગેવાની કરે છે.

    15 વર્ષની ઉંમરે તેમણે યુવાનોની આગેવાની હેઠળની ચળવળ જાગા રિમ્બા શરૂ કરી હતી. જંગલ જાળવવા ઉપરાંત આ સંગઠન મૂળ નિવાસીઓના અધિકારો માટે પણ લડે છે જેઓ કિનિપાન જંગલમાં પોતાનાં ઘર ગુમાવી રહ્યા છે. કિનિપાન એ કાલિમંટનમાં બચી ગયેલા છેલ્લાં વર્ષાવન પૈકી એક છે.

    > આ રોગચાળાએ આપણને સામૂહિક ભાન કરાવ્યું છે કે આપણે બધા એક જ પુરુષપ્રધાન-મૂડીવાદી સિસ્ટમ હેઠળ છીએ જે નફાખોરી માટે કામ કરે છે. હવે સમય આવ્યો છે કે આપણે સંગઠીત થઈએ અને હરિયાળા, ન્યાય આધારિત સુધારા લાવીએ.

  • માહિરા ખાન

    પાકિસ્તાન અભિનેત્રી mahirahkhan

    માહિરા ખાન એ કોઈ સામાન્ય અભિનેત્રી નથી. તેઓ જાતીય હિંસા વિરુદ્ધ ખુલીને બોલે છે, ત્વચાને ગોરી બનાવતી ક્રીમની જાહેરખબર કરવાનો ઇનકાર કરે છે અને વંશવાદ વિરુદ્ધની લડાઈને ટેકો આપે છે. માહિરા ખાન પોતાના દેશ પાકિસ્તાનમાં સામાજિક મુદ્દાઓમાં પરિવર્તન લાવવા માટે ફિલ્મ અને ટીવીની મદદ લેવા માગે છે.

    માહિરા યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફૉર રેફ્યુજીસ માટે નેશનલ ગૂડવિલ ઍમ્બૅસૅડર છે. તેઓ પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરણાર્થીઓની તકલીફો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેમણે 2006માં એમટીવીના વીજે તરીકે કારકિર્દી શરૂ કરી ત્યારથી તેઓ ઓડિયન્સમાં લોકપ્રિય છે. તેઓ 11 વર્ષના પુત્રનાં પ્રેમાળ માતા પણ છે.

    > પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે તેના કારણો અને તેને લગતા પ્રશ્નો વિશે ખુલીને બોલો.

  • એન્જેલિક કિડજો

    બેનિન સંગીતકાર

    ચાર વખત ગ્રેમી ઍવૉર્ડ વિજેતા એન્જેલિક કિડ્જો આજે આંતરરાષ્ટ્રીય સંગીતમાં સૌથી મહાન કલાકારો પૈકી એક છે. તેમણે બેનિનમાં પોતાના બાળપણની પશ્ચિમ આફ્રિકાની પરંપરાગત શૈલીનું અમેરિકન આર એન્ડ બી, ફંક અને જેઝ સાથે સંયોજન કર્યું છે તથા તેમાં યુરોપ અને લેટિન અમેરિકાનો પ્રભાવ જોવા મળે છે.

    પોતાના આલ્બમ રિમેઇન ઇન લાઇટમાં આફ્રિકાના ડાયસ્પોરા પર ધ્યાન આપ્યા પછી આ ફ્રેન્ચ-બેનિનિઝ ગાયિકા હવે વિખ્યાત આઇકોન સેલિયા ક્રૂઝના આફ્રિકન મૂળ અંગે તપાસ કરી રહ્યાં છે. જેઓ ક્યૂબામાં જન્મેલાં ‘ક્વીન ઑફ સાલ્સા’ હતાં. એન્જેલિક યુનિસેફના ઍમ્બૅસૅડર તરીકે બાળકોના અધિકારોનાં હિમાયતી છે અને પોતાનું ચેરિટેબલ ફાઉન્ડેશન બાટોંગા ચલાવે છે. જે આફ્રિકામાં નાની બાળકીઓના શિક્ષણ માટે કામ કરે છે.

    > આપણે એકતા, પ્રેમ અને શક્તિ દ્વારા એકબીજાની કાળજી રાખવી પડશે. આપણે એકબીજાની મદદ કરવાનું ચાલુ રાખીએ. આ એકતા કોઈ પણ સામાજિક વર્ગ, વંશ અને જાતીય પસંદગીના ભેદભાવ વગર હોવી જોઈએ.

  • ચૂ કિમ ડક

    વિયેતનામ આર્કિટેક્ટ kim_duc_

    આર્કિટેક્ટ કિમ ડક વિયેતનામમાં બાળકોના રમવાના અધિકારને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. થિંક પ્લેગ્રાઉન્ડ્સનાં સહ-સ્થાપક અને ડિરેક્ટર તરીકે તેઓ વિયેતનામમાં રિસાઇકલ્ડ સામગ્રીથી બનેલાં 180થી વધારે જાહેર પ્લેગ્રાઉન્ડ બનાવવા માટે ભાગીદારો અને સમુદાયો સાથે મળીને કામ કરે છે.

    હાલમાં તેઓ હેનોઈ ખાતે વિયેતનામ નેશનલ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ માટે થેરેપી પ્લેગ્રાઉન્ડ્સ પર કામ કરી રહ્યાં છે. તેઓ શહેરમાં સૌપ્રથમ લો-કાર્બન પ્લેગ્રાઉન્ડના સર્જન માટે કામ કરી રહ્યાં છે.

    > રમતિયાળ બનો. કામમાં અને જીવનમાં. આંતરિક પ્રેરણા સાથે શીખવાનું મહત્ત્વ છે. તમારે શું કરવાનું છે, તમને શું કરવામાં આનંદ મળે છે? જુસ્સાભેર, સતત શીખતા રહેવાથી આપણને મુશ્કેલીઓનો સામનો કરવામાં અને આશાવાદી બનવામાં મદદ મળે છે.

  • સફા કુમારી

    સીરિયા પ્લાન્ટ વાઇરૉલૉજિસ્ટ

    પ્લાન્ટ વાઇરોલૉજિસ્ટ તરીકે ડો. સફા કુમારી પાકને નષ્ટ કરતા રોગચાળાના ઉપાય શોધી રહ્યા છે. સિરિયામાં ખાદ્યાન્ન સુરક્ષામાં ઉપયોગી બિયારણ શોધ્યા પછી તેમણે એલેપ્પોમાંથી તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

    તેમણે વાઇરસ પ્રતિરોધક છોડના પ્રકાર શોધવામાં વર્ષો ગાળ્યાં છે જેમાં એક ફાબા બિન પણ સામેલ છે. જે ફાબા નેક્રોટિક યલો વાઇરસ (FBNYV)નો પ્રતિકાર કરી શકે છે.

    > 2020માં વિશ્વ ઘણું બદલાયું છે. આવા પડકારોનો સામનો કરવામાં લિંગ નહીં પરંતુ ક્ષમતા મહત્ત્વની હોય છે. મહિલાઓએ માનવું પડશે કે તેમનું યોગદાન પુરુષો જેટલું જ છે.

  • ઇશ્તર લખાની

    દક્ષિણ આફ્રિકા કાર્યકર

    ઇશ્તર એક મહિલાવાદી કાર્યકર્તા છે અને ખુદને 'ટ્રબલમેકર' તરીકે ઓળખાવે છે. તેઓ સાઉથ આફ્રિકા રહે છે જ્યાં તેઓ સામાજિક ન્યાય સંગઠનો, ચળવળો અને દુનિયાભરનાં નેટવર્ક સાથે સંકળાયેલાં છે. તેઓ માનવ અધિકારની વકીલાત માટે આવશ્યક ટેકો પૂરો પાડે છે.

    ચાલુ વર્ષમાં તેમણે ફ્રી ધ વૅક્સિન અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે સેન્ટર ફૉર આર્ટિસ્ટિક એક્ટિવિઝમ અને યુનિવર્સિટીઝ એલાઇડ ફોર એસેન્શિયલ મેડિસિન્સ (UAEM)થી પ્રેરિત છે. તેઓ કોવિડ-19ની રસીની કિંમત વાજબી રાખવામાં આવે, બધાને ઉપલબ્ધ થાય અને ડિલિવરી પોઇન્ટ પર તે મફતમાં મળે તેના લક્ષ્ય સાથે કામ કરી રહ્યાં છે.

    > અત્યારનો પડકારજનક સમય અત્યાર સુધી આપણને ક્યારેય ખુશી ન આપનાર સિસ્ટમને સુધારવાના બદલે આપણા માટે એકદમ અલગ ભવિષ્ય વિકસાવવાની તક પણ છે.

  • ક્લાઉડિયા લોપેઝ

    કોલંબિયા મેયર

    ક્લાઉડિયા લોપેઝ એ કોલંબિયાની રાજધાની અને દેશના સૌથી મોટા શહેર બોગોટાનાં પ્રથમ મહિલા મેયર છે.

    તેઓ એક શિક્ષકનાં પુત્રી છે અને 2014થી 2018 વચ્ચે એલિયન્ઝા વર્ડે (ગ્રીન એલાયન્સ) પાર્ટીના સેનેટર તરીકે કામ કર્યું છે. તેમણે ભ્રષ્ટાચાર વિરોધી લોકપ્રિય કન્સલ્ટેશનના અમલીકરણની આગેવાની કરી હતી જેમાં પ્રસ્તાવિત પગલાંની તરફેણમાં 11.6 મિલિયન વોટ (99 ટકા મેન્ડેટ) મળ્યા હતા, જે કોલંબિયાના ઇતિહાસમાં એક વિક્રમ છે.

    > વિશ્વની મહિલાઓને હું કહીશ કે અટકશો નહીં. ગઈ સદીમાં જે સામાજિક ક્રાંતિની શરૂઆત થઈ હતી તે નહીં અટકે. આપણે જાહેર અને ખાનગી જીવનમાં આ પરિવર્તનોનું પ્રતિબિંબ જોઈશું.

  • જોસિના મશેલ

    મોઝામ્બિક સામાજિક ન્યાય કાર્યકર JosinaZMachel

    જોસિના ઝેડ મશેલ એ માનવ અધિકારનાં પ્રણેતા છે અને ચળવળના વારસા હેઠળ તેમનો ઉછેર થયો છે. તેઓ મહિલાઓના અધિકારોના પ્રખર હિમાયતી છે.

    તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સ એન્ડ પૉલિટિકલ સાયન્સ (એલએસઈ)માંથી એમએસસીની ડિગ્રી મેળવી છે. તેઓ સ્વયં ઘરેલુ હિંસાના શિકાર રહી ચૂક્યાં છે અને કુહલુકા મુવમૅન્ટ દ્વારા તેમણે પોતાના અનુભવોનો હેતુપૂર્વક ઉપયોગ કર્યો છે. આ સંગઠન લિંગ આધારિત હિંસા અંગે સામાજિક પરિવર્તન લાવવા અને દક્ષિણ આફ્રિકાના સમુદાયોમાં પીડીતો માટે સુરક્ષા પેદા કરવાનું કામ કરે છે.

    > મહિલાઓ પર વધારાના દબાણની અસર હજુ માપવાની બાકી છે. પરંતુ અમારી પ્રતિકાર ક્ષમતા અમને માતા, પત્ની, બહેન, લીડર અને ઉદ્યોગના આગેવાન બનવાની હિંમત આપે છે જેની વિશ્વને જરૂર છે.

  • સાના મરીન

    ફિનલૅન્ડ ફિનલૅન્ડનાં વડાં પ્રધાન

    સાના મરીન ફિનલૅન્ડનાં વડાં પ્રધાન અને ફિનલૅન્ડની સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા છે. તેઓ જે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરે છે તેમાં અન્ય ચાર પક્ષ સામેલ છે અને ચારેયનું નેતૃત્ત્વ મહિલાઓ કરે છેઃ તેમાં મારિયા ઓહિસાલો (ગ્રીન લીગ), લી એન્ડરસન (લેફ્ટ એલાયન્સ), એન્ના – માજા હેન્રીક્સન (સ્વિડીશ પીપલ્સ પાર્ટી) અને એન્નિકા સારીક્કો (સેન્ટર પાર્ટી) નો સમાવેશ થાય છે.

    કોવિડ-19નો મુકાબલો કરવામાં ફિનલૅન્ડની કામગીરીને બિરદાવવામાં આવે છે. નવેમ્બર 2020 મુજબ સમગ્ર યુરોપમાં ફિનલૅન્ડમાં આ વાઇરસના ચેપનો દર સૌથી નીચો છે.

    > મહિલા નેતા તરીકે આપણે દર્શાવી શકીએ કે વાઇરસનો સામનો કરવો શક્ય છે. સાથે સાથે આપણે ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો, શિક્ષણમાં રોકાણ અને સમાજમાં સામાજિક ન્યાય લાવવા માટે પણ કામ કરી શકીએ છીએ.

  • હયાત મિર્શદ

    લેબેનોન કાર્યકર

    હયાત એ નારીવાદી ચળવળકર્તા, પત્રકાર અને માનવતાવાદી છે. તેઓ ફી-મેલનાં સહસ્થાપક છે. જે લેબેનોન ખાતે અગ્રણી મહિલાવાદી જૂથ છે. હયાત ઝૂકવામાં કે સમાધાન કરવામાં માનતાં નથી. હયાતનું મિશન છે કે દરેક બાળકી અને મહિલાને ન્યાય, માહિતી, રક્ષણ અને માનવ અધિકાર પ્રાપ્ત થાય.

    તેઓ રાષ્ટ્રવ્યાપી કૂચ કરીને જુદા જુદા મંચ દ્વારા પોતાનો સંદેશ ફેલાવવાનું ચાલુ રાખે છે. તેઓ ભ્રષ્ટ, પુરુષપ્રધાન સરકારો વિરોધ જનઆંદોલન ચલાવે છે અને પરિવર્તનની માંગણી કરે છે.

    > પડકારો અને નિષ્ફળતાઓ મળવા છતાં મહિલાઓએ સમગ્ર ઇતિહાસમાં પુરુષપ્રધાન વ્યવસ્થાને પડકારી છે અને તેની સામે લડત આપી છે. એકતા, સખીપણા અને પ્રેમ દ્વારા અમે લડાઈ ચાલુ રાખીશું. અમે ન્યાય અને જાતીય સમાનતા ભવિષ્ય માટે અવાજ ઉઠાવવાનું અને માંગણીને ઉગ્ર બનાવવાનું ચાલુ રાખીશું.

  • બુલેલ્વા એમકુટુકાના

    દક્ષિણ આફ્રિકા ગાયિકા/ગીતકાર zaharasa

    બુલેલ્વા એમકુટુકાના પોતાના સ્ટેજ પરના નામ ઝાહરાથી વધારે જાણીતાં છે. તેઓ સાઉથ આફ્રિકામાં બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યાં છે. શાળામાં અભ્યાસ દરમિયાન તેમનામાં ગાયન પ્રત્યે પ્રેમ જાગ્યો. તેમણે શેરીઓમાં ગાઈને પોતાની ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 2011માં ઝાહરાનું સૌપ્રથમ આલ્બમ માત્ર ત્રણ સપ્તાહની અંદર ડબલ પ્લેટિનમ થયું હતું.

    આ ગાયક-ગીતકારને અનેક ઍવૉર્ડ મળ્યા છે અને તેઓ સંગીતઉદ્યોગમાં સફળ કારકિર્દી ધરાવે છે. તેમણે સાઉથ આફ્રિકામાં મહિલા વિરોધી હિંસા સામે અવાજ ઉઠાવવા માટે પણ આ મંચનો ઉપયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ સ્વયં પણ હિંસાનો ભોગ બન્યાં છે.

    > પ્રાર્થનાના કારણે હું આ મુશ્કેલ સમયમાં ટકી રહી છું. પ્રાર્થનાથી વધારે અસરકારક બીજું કંઈ નથી.

  • લ્યુસી મોનાહન

    નૉર્ધન આયરલૅન્ડ કૅમ્પેનર

    લ્યુસી મોનાહને 2015માં પોતાના પર કથિત બળાત્કારની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ નોર્ધન આયર્લેન્ડમાં પોલીસ અને પ્રોસિક્યુટર્સ દ્વારા તેમની સાથે કેવો વર્તાવ થયો તે જણાવવા માટે તેમણે પોતાનો ગુપ્ત રહેવાનો અધિકાર જતો કર્યો હતો. પોલીસે શરૂઆતમાં લ્યુસીને જણાવ્યું કે તેઓ કથિત ગુનેગાર સાથે 'ફ્લર્ટ' કરતાં હતાં, એ બાબતના પૂરાવા હતા તેથી કોઈને આ કેસમાં સજા થવાની શક્યતા બહુ ઓછી છે.

    લ્યુસીએ તપાસમાં નિષ્ફળતા બદલ સત્તાવાળાઓને કોર્ટમાં પડકાર્યા હતા. તેના કારણે જાતીય હુમલાના પીડિતો સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે ફેરફાર કરવામાં આવ્યા.લ્યુસી હવે બળાત્કારના પીડિતોને મદદ કરે છે. 2019માં તેમણે જજ ગિલિયન રિવ્યૂમાં ભાગ લીધો હતો જેણે કાયદામાં ફેરફાર માટે 250થી વધારે ભલામણો કરી હતી.

    > તેમણે કહ્યું કે મારાથી નહીં થાય. આમ છતાં મેં કરી બતાવ્યું. તમે પણ કરી શકો છો!

  • ડ્યૂસ નામવેઝી નલબામ્બા

    ડીઆર કૉંગો પત્રકાર

    ડ્યૂસ નામવેઝી નલબામ્બા એ મલ્ટિમીડિયા પત્રકાર તથા ઉવેઝો આફ્રિકા ઇિશિયેટિવનાં સ્થાપક છે. આ એક બિનનફાકારક સંગઠન છે જે પત્રકારત્વ, કામકાજની તાલીમ અને સામાજિક ઉદ્યોગસાહસિકતા મારફત મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે.

    તેઓ માસિકસ્ત્રાવ અંગે પ્રચલિત માન્યતાઓ સામે લડત આપે છે. તેઓ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને હાઇજિન કિટ પૂરી પાડે છે તથા જાતીય શિક્ષણ અપાવે છે.

    > આપણે છોકરીઓ અને મહિલાઓની એવી પેઢી બનવું છે જે પરિવર્તનમાંથી પસાર થાય છે. જેઓ પોતાની દૈનિક સમસ્યાના હંમેશાં ઉકેલ શોધો છે અને જેઓ હંમેશાં કહે છેઃ કોઈ પણ ચીજ અશક્ય નથી!

  • વેનેસા નકાટે

    યુગાન્ડા ક્લાઇમેટ કાર્યકર

    23 વર્ષીય વેનેસા નકાટે એ યુગાન્ડા સ્થિત આબોહવા ચળવળકર્તા અને આફ્રિકા સ્થિત ‘રાઇઝ અપ મૂવમૅન્ટ’નાં સ્થાપક છે. તેઓ આબોહવામાં ફેરફારની અસરને હાઇલાઇટ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવે છે. આફ્રિકામાં આબોહવામાં ફેરફારની અસર પહેલેથી જોવા મળી રહી છે. આબોહવાની કટોકટીના કારણે ગરીબી, સંઘર્ષ અને જાતીય અસમાનતા કઈ રીતે વધે છે તેના પર તેઓ ખાસ ધ્યાન આપે છે.

    જાન્યુઆરી 2020માં ઍસોસિયેટેડ પ્રેસ (એપી)એ ગ્રેટા થનબર્ગ અને બીજા યુરોપીયન ચળવળકર્તાઓના ફોટોમાંથી નકાટાને ક્રોપ કરીને અલગ કર્યાં હતાં. આ લોકોએ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપી હતી. ત્યાર બાદ નકાટાએ વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જની ચળવળમાં વંશવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. એપીએ ત્યાર પછી નકાટાને ફોટોમાં ફરીથી સમાવ્યાં હતાં. એપીએ તેનો કોઈ ખરાબ ઇરાદો ન હતો તેવા સંકેત આપ્યા પરંતુ તેણે માફી નહોતી માંગી. 27 જાન્યુઆરી 2020ના રોજ તેના એક્ઝિક્યુટિવ એડિટર સેલી બઝબીએ પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરીને એપી વતી માફી માંગી હતી.

    > લૉકડાઉન અને આબોહવા કટોકટીના કારણે મહિલાઓએ ઘણી વાર સૌથી વધુ સહન કરવાનું આવે છે. પરંતુ અમે ઉકેલ પણ છીએ. મહિલાઓને શિક્ષિત અને સક્ષમ કરવાથી કાર્બનનું ઉત્સર્જન ઘટશે, આફતો સામેની ક્ષમતા વધશે અને ભવિષ્ય માટે આબોહવા ક્ષેત્રે આગેવાનો પેદા કરી શકાશે.

  • એથેલરેડા નાકીમુલી-મપુંગું

    યુગાન્ડા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત

    ડૉ. એથેલરેડા નાકીમુલી-મપુંગું યુગાન્ડાની મેકરેરી યુનિવર્સિટી સાથે સંકળાયેલાં છે અને થેરેપીને સાંસ્કૃતિક રીતે વધારે યોગ્ય બનાવવા માટે કામ કરે છે. ખાસ કરીને એચઆઇવી અને ડિપ્રેશનનો ભોગ બનેલા લોકો માટે.

    તેમણે અત્યંત ઓછા ખર્ચે એક જૂથ થેેરેપી કાર્યક્રમ વિકસાવ્યો છે જે સામાન્ય આરોગ્યકર્મી પણ આપી શકે છે. તેના કારણે ડિપ્રેશનના લક્ષણમાં નાટ્યાત્મક ઘટાડો થતો જોવા મળ્યો છે અને અસરગ્રસ્ત લોકોમાં એન્ટીવાઇરલ દવાઓનું પાલન સુધરે છે.

    > તમારા માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપો અને તમારી શક્તિ પાછી મેળવો.

  • નાંદર

    મ્યાનમાર મહિલાવાદી કાર્યકર્તા

    નાંદર એ મહિલાવાદી કાર્યકર્તા, અનુવાદક, કથાકાર અને બે પોડકાસ્ટ- ફેમિનિસ્ટ ટોક્સ અને જી-ટો ઝાગર વાઇનનાં સર્જક છે. તેમણે પર્પલ ફેમિનિસ્ટ્સ ગ્રૂપની સ્થાપના કરી હતી અને રંગૂનમાં ધ વજાઇના મોનોલોગ્સના નિર્માણમાં સહ-નિર્દેશન કર્યું હતું.

    ઉત્તર પશ્ચિમના શાન રાજ્યમાં એક ગામડામાં ઉછરેલાં નાંદરે પરિવારનાં પરંપરાગત મૂલ્યોને પડકારતી વખતે મહિલાઓને કેટલી તકલીફ ભોગવવી પડે છે તેનો અનુભવ થયો હતો. તેમણે મ્યાનમારમાં સામુદાયિક જીવનની તકલીફો જોઈ છે. હવે તેઓ પોતાના પોડકાસ્ટનો ઉપયોગ માસિક સ્ત્રાવ અને ગર્ભપાત જેવા સંવેદનશીલ મુદ્દાની ચર્ચા કરવા માટે કરે છે જેના અંગે વાત કરવાનું સામાન્ય રીતે ટાળવામાં આવતું હોય છે.

    > હું ઇચ્છું છું કે વધુ લોકો અસમાનતા સમાપ્ત કરવાની લડતમાં સામેલ થાય. જેથી કરીને આપણે એવા વિશ્વમાં જીવી શકીએ જ્યાં આપણનું મૂલ્ય કરવામાં આવે અને માનવી તરીકે સન્માન મળે. આપણે સાથે મળીને વધુ સારું, ન્યાય આધારિત વિશ્વ રચી શકીએ છીએ.

  • વર્નેટા એમ ને મૉબર્લી

    અમેરિકા પર્યાવરણવાદી કાર્યકર્તા

    વર્નેટા મૉબર્લી એક પત્ની, માતા, દાદી અને મિત્ર છે.

    આટલાં વર્ષો દરમિયાન તેમણે પોતાના વડીલો પાસેથી માહિતી મેળવી છે અને પોતાનું જ્ઞાન તથા કૌશલ્ય ઇન્યુપિયાટ સમુદાયની આગળની પેઢીને સોંપ્યું છે. ધરતીમાતાને બચાવવા માટે લડવું એ તેમનું ઝનૂન છે.

    > માતાઓઃ તમારી જાતની કાળજી રાખો. તમારા પૂર્વજોનું જ્ઞાન મેળવવાનું ચાલુ રાખો. આપણે બધા એકબીજાથી જોડાયેલા છીએ. આપણે આપણાં બાળકોના ઉછેર માટે એકસમાન પ્રકૃતિ અને ઝનૂન ધરાવીએ છીએ. કોઈ અશાંતિ સર્જાય તો પણ તેનો ઉકેલ શોધો.

  • નેમોન્ટે નેેન્કિમો

    ઇક્વાડોર વાઓરાની નેતા nemonte.nenquimo

    નેમોન્ટે નેન્કિમો એક મૂળનિવાસી વાઓરાની મહિલા છે. જેઓ એમેઝોનનાં વર્ષાવનોમાં પોતાના પૂર્વજોના પ્રદેશ, સંસ્કૃતિ અને જીવનશૈલીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

    તેઓ મૂળનિવાસીઓની આગેવાની હેઠળના બિનનફાલક્ષી સંગઠન સેઇબો એલાયન્સના સહ-સ્થાપક છે. તેઓ પાસ્તાઝા પ્રાંતમાં વાઓરાનીના સંગઠનનાં પ્રથમ મહિલા પ્રમુખ છે. ટાઇમ મૅગેઝિનના વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં તેઓ સ્થાન ધરાવે છે.

    > આપણું વિશ્વ અને માનવજાત સંકટમાં છે ત્યારે મહિલા તરીકે આપણે આ જોખમી સમયમાંથી રસ્તો કાઢવાની ક્ષમતા ધરાવીએ છીએ. મહિલાઓ માટે હવે સંગઠીત થવાનો સમય આવી ગયો છે.

  • સાનિયા નિશ્તર

    પાકિસ્તાન વૈશ્વિક સ્વાસ્થ્ય કાર્યકર

    ડો. સાનિયા નિશ્તર વૈશ્વિક આરોગ્ય અને ટકાઉ વિકાસનાં આગેવાન છે. વર્ષ 2018થી તેઓ પરિવર્તનકારક એહસાસ પોવર્ટી એલિવિયેશન કાર્યક્રમને આગળ ધપાવી રહ્યાં છે. તેમાં કરોડો પાકિસ્તાનીઓને મોબાઇલ બેન્કિંગ અને બચત ખાતા તથા બીજા પાયાનાં સંસાધનો પૂરા પાડીને તેમનું જીવનધોરણ સુધારવામાં આવ્યું છે.

    તેઓ ગરીબી નાબૂદી અને સામાજિક રક્ષણ અંગે પાકિસ્તાનના વડા પ્રધાનનાં વિશેષ સહાયક છે. સાનિયાએ પાકિસ્તાનમાં કલ્યાણ આધારિત રાજ્યની દિશામાં જરૂરી પ્રથમ પગલું લઈને લોકોને સક્ષમ બનવામાં મદદ કરી છે.

    > કોવિડ-19ની નાટ્યાત્મક અસર આપણને વધુ સારું વિશ્વ રચવાની તક આપે છે જે તક પેઢીઓમાં એક જ વખત મળે છે. તેના દ્વારા આપણે ગરીબી, અસમાનતા અને આબોહવા કટોકટીનો અંત લાવી શકીએ છીએ. આ માટે મહિલાઓએ સમાન, સક્ષમ ભાગીદાર બનવું પડશે.

  • ફિલિસ ઓમિડો

    કેન્યા પર્યાવરણવાદી કાર્યકર્તા

    ફિલિસ ઓમિડો એ સેન્ટર ફૉર જસ્ટિસ ગવર્નન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ ઍક્શન (CJGEA)નાં સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ કેન્યાના કાચી સામગ્રી કાઢવાના ઉદ્યોગના કારણે અસર પામેલા સમુદાયોના પર્યાવરણીય અને સામાજિક -આર્થિક અધિકારોનાં હિમાયતી છે. 2015માં તેમને ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ પ્રાઇઝ (જેને 'ધ ગ્રીન નોબેલ' પણ કહેવાય છે) જિત્યું હતું. તેના દ્વારા ઓવિનો ઓહુરુમાં લીડ સ્મેલ્ટિંગ પ્લાન્ટ સફળતાપૂર્વક બંધ કરાવવામાં તેમની કામગીરીને માન્યતા મળી હતી.

    જૂન 2020માં તેઓ 1.3 અબજ કેન્યન શિલિંગના પર્યાવરણીય ક્લાસ ઍક્શનમાં વિજેતા બન્યાં હતાં. જેના કારણે આ રકમ ઓવિનો ઓહુરુ સમુદાયને મળશે. આ ઉપરાંત CJGEA માટે 700 મિલિયન કેન્યન શિલિંગનું વળતર મળ્યું છે. કોર્ટે ફિલિસને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. નેશનલ એન્વાયર્નમેન્ટલ મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ અપીલ કરી છે અને હાલમાં આ કેસ કોર્ટ ઑફ અપીલ સમક્ષ છે.

    > જે રીતે સમગ્ર વિશ્વની મહિલાઓએ ભારે પ્રતિકૂળતા વચ્ચે પોતાનું કાયદેસરનું સ્થાન મેળવવા ફરીથી વિચાર કરવો પડે છે, તે રીતે પ્રકૃતિ પણ પર્યાવરણીય કટોકટીમાંથી પોતાની જાતને નવેસરથી પેદા કરવામાં સંઘર્ષ કરે છે. કુદરતની તકલીફોને માત્ર એક મહિલા જ સમજી શકે છે.

  • લાલેહ ઓસ્માની

    અફઘાનિસ્તાન કાર્યકર્તા

    અફઘાનિસ્તાનમાં જાહેરમાં કોઈ મહિલાના નામનો ઉપયોગ થાય તો પણ તેનો વિરોધ થાય છે. જન્મના પ્રમાણપત્રમાં માત્ર પિતાનું નામ લખી શકાય છે. જ્યારે કોઈ મહિલા લગ્ન કરે ત્યારે આમંત્રણપત્રિકામાં તેનું નામ છપાતું નથી. તે બીમાર હોય ત્યારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં પણ તેમનું નામ નથી હોતું. તે મૃત્યુ પામે ત્યારે મૃત્યુના પ્રમાણપત્ર કે કબર પર પણ તેનું નામ લખવામાં આવતું નથી.

    મહિલાઓને પાયાના અધિકારો પણ મળતા ન હોવાથી ત્રાસી ગયેલા કાર્યકર્તા લાલેહ ઓસમાનીએ વ્હેર ઇઝ માય નેમ અભિયાન શરૂ કર્યું. ત્રણ વર્ષ સુધી લડત આપ્યા બાદ 2020માં રાષ્ટ્રીય ઓળખપત્રો અને બાળકોના જન્મના પ્રમાણપત્રોમાં મહિલાઓનાં નામ નોંધવા અફઘાન સરકાર સહમત થઈ હતી.

    > વિશ્વને સારી જગ્યા બનાવવા માટે પ્રયાસ કરવાની આપણી બધાની કેટલીક જવાબદારી છે. પરિવર્તન લાવવું મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ નથી. તમે અફઘાનિસ્તાન જેવા અત્યંત પરંપરાગત દેશમાં પોતાની ઓળખ માટે લડી રહેલી આ મહિલાઓમાં તે જોઈ શકો છે.

  • રિદ્ધિમા પાંડે

    પર્યાવરણ કાર્યકર્તા

    રિદ્ધિમા પાંડે એ પર્યાવરણ કાર્યકર્તા છે જેમણે નવ વર્ષની ઉંમરે આબોહવાના ફેરફાર (ક્લાઇમેટ ચેન્જ) સામે નિષ્ક્રિયતા બદલ ભારત સરકાર સામે કેસ કર્યો હતો. 2019માં અન્ય 15 બાળ અરજકર્તાઓની સાથે રિદ્ધિમાએ યુએન ખાતે પાંચ દેશો સામે કેસ દાખલ કર્યો હતો.

    રિદ્ધિમા હાલમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે અને બીજા વિદ્યાર્થીઓને દરેક સ્તરે સશક્ત બનવા મદદ કરી રહ્યા છે. તેઓ તેમને પોતાના ભવિષ્ય માટે અને વિશ્વમાં જૈવવૈવિધ્ય માટે લડવા મદદ કરે છે. રિદ્ધિમા પોતાનું અને આગામી પેઢીઓનું ભવિષ્ય બચાવવા માટે કામ કરી રહ્યાં છે.

    > આપણા માટે અત્યારે મજબૂત અને સંગઠીત થવાનો સમય છે. આપણે મુશ્કેલ સમયમાં કેટલા સક્ષમ છીએ તે સાબિત કરવાનું છે. મહિલા કોઈ ચીજ પ્રાપ્ત કરવા માટે દૃઢનિશ્ચય કરે તો કોઈ ચીજ તેમને અટકાવી શકે નહીં.

  • લૉર્ના પ્રૅન્ડરગાસ્ટ

    ઑસ્ટ્રેલિયા ડિમેન્શિયા સંશોધક

    લોર્ના પ્રેન્ડરગાસ્ટ 2019માં વૈશ્વિક સમાચારોમાં ચમક્યાં હતાં જ્યારે તેઓ 90 વર્ષની વયે મેલ્બર્ન યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયાં હતાં. તેમણે વૃદ્ધાવસ્થાના વિષયમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેમણે આ ડિગ્રી તેમના સ્વર્ગીય પતિને સમર્પિત કરી હતી. જેમની સાથે તેમણે 64 વર્ષનું લગ્નજીવન વિતાવ્યું હતું. તેમના પતિ જેઓ ડિમેન્શિયા (ચિતભ્રંશ)થી પીડાતા હતા.

    એક સંશોધનકર્તા તરીકે તેમણે ડિમેન્શિયાના દર્દીઓની જરૂરિયાતો, તેમની જીવનની ગુણવત્તામાં સુધારા તથા સારસંભાળ રાખનાર સાથે તેમના સંબંધો વિશે ઘણી સમજણ વિકસાવી હતી.

    > તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય, તમે યુવાન હોવ કે વૃદ્ધ, તમે વિશ્વમાં પરિવર્તન લાવી શકો છો.

  • ઓક્સાના પુશ્કિના

    રશિયા રશિયાની સંસદનાં સભ્ય

    ઓક્સાના પુશ્કિના એ રશિયાની સંસગના ગૃહ સ્ટેટ ડ્યૂમામાં પરિવાર, મહિલાઓ અને બાળકોના મામલે બનેલી સમિતિનાં નાયબ ઉપાધ્યક્ષ છે.

    વર્ષ 2018માં જ્યારે કેટલીક મહિલા પત્રકારોએ આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેની સ્ટેટ ડ્યૂમા સમિતિનાં અધ્યક્ષ સામે જાતીય સતામણીના આરોપ મૂક્યા ત્યારે ઓક્સાના એકમાત્ર સાંસદ હતાં જેમણે આગળ આવીને પત્રકારોને જાહેરમાં ટેકો આપ્યો હતો.

    > 2020માં વિશ્વ ઘણું બદલાઈ ગયું છે પરંતુ આ પીડા અને કટોકટી ઉપરાંત મને એક ચીજ શીખવા મળી કે નવા પડકારો હંમેશાં વ્યક્તિની સર્વશ્રેષ્ઠ બાબતને બહાર લાવે છે.

  • સિબેલ રેસી

    બ્રાઝિલ શિક્ષિકા

    સિબેલ એક નિવૃત્ત મુખ્ય શિક્ષિકા છે જેઓ સાઓ પાઉલોની પ્રાથમિક શાળાનાં બાળકોમાં વંશીય સમાનતાના પાઠ ભણાવવામાં અગ્રેસર રહ્યાં છે.

    તેમણે શાળામાં સ્ટાફ માટે કામ કરવાનું વાતાવરણ વધારે વ્યાપક બનાવવા શાળાની તમામ મૅનેજમૅન્ટ પદ્ધતિઓની સમીક્ષા કરી હતી. તેમાં વંશ, લિંગ કે હોદ્દાના કોઈ ભેદભાવ રખાયા ન હતા.

    > પરિવર્તન માટે સમાજે જે પ્રતિબદ્ધતાઓ કરવી પડે તેના સંદર્ભમાં આ વર્ષે આપણા પર આપોઆપ બોજ નાખ્યો છે. હું આશા રાખું કે 2021ના પડકારો માટે આપણે પરિવર્તનકારક ઊર્જા એકત્ર કરી લીધી છે.

  • સુઝાના રફાલી

    વેનેઝુએલા પોષણ નિષ્ણાત

    સુઝાના એ માનવતાવાદી કાર્યકર છે જેમણે વિશ્વભરમાં આફતોનો સામનો કરવામાં મદદ કરવા માટે 22 વર્ષ ગાળ્યાં છે. તેમણે કેરિટાસ ડી વેનેઝુએલાને એક એવું ઉપકરણ સ્થાપવામાં મદદ કરી હતી જેનાથી બાળકો પર માનવીય કટોકટીની તાત્કાલિક અસર જાણી શકાય છે. વેનેઝુએલામાં આ કટોકટી હોવાનો જ ઇનકાર કરવામા આવતો હતો ત્યારે તેમણે આ કામ કર્યું હતું. સુસાનાએ ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને પોષણક્ષમ ખોરાક ઉપલબ્ધ કરાવનારાં કેન્દ્રોનું એક નેટવર્ક પણ સ્થાપ્યું હતું.

    સુઝાનાએ વર્ષ 2020માં રોગચાળા દરમિયાન ઓછી આવક ધરાવતા નાગરિકો, HIV ગ્રસ્ત મહિલાઓ અને જેલવાસ ભોગવતા યુવાનોને ભોજન પૂરું પાડવા કામ કર્યું હતું. ‘સ્કેલિંગ અપ ન્યુટ્રિશન મૂવમૅન્ટ’ સાથે કામ કરીને સુઝાનાએ સમગ્ર મધ્ય અમેરિકામાં રોગચાળા સામે રાષ્ટ્રીય પગલાંમાં પોષક આહારને પણ સામેલ કરવાની સલાહ આપી હતી.

    > સૌથી પહેલાં તમારી કાળજી રાખો અને તેમાંથી સ્વતંત્રતા મેળવવાનું શરૂ કરો. તે બહુ સારું લૉકડાઉન રહેશે.

  • સપના રોકા મગર

    નેપાળ સ્મશાન ટેક્નિશિયન

    ત્રણ મહિના સુધી નિરાધાર રહ્યા બાદ સપના કાઠમંડુ પહોંચ્યાં, જ્યાં તેઓ એક સંગઠનમાં જોડાયાં. આ સંગઠન બિનવારસુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે છે.

    કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની નેપાળ આર્મી દ્વારા ચુસ્ત નિયમો હેઠળ અંતિમવિધિ કરાય છે. સપનાનું સંગઠન શેરીઓ અથવા મુડદાઘરોમાંથી ત્યજી દેવાયેલા મૃતદેહો મેળવે છે અને તેને ઓટોપ્સી માટે હૉસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરે છે. કોઈ મૃતદેહ માટે 35 દિવસ સુધી કોઈ વારસદાર ન આવે તો સંગઠન તેને સ્મશાને લઈ જઈને તેના પર દાગબત્તીની વિધિ કરે છે. હિંદુ સંસ્કૃતિમાં આ વિધિ સામાન્ય રીતે મૃતકના પુત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.

    > સમગ્ર વિશ્વમાં બેઘર, ત્યજી દેવાયેલા લોકો છે. શેરીમાં મૃત્યુ પામતા લોકોની પણ યોગ્ય રીતે અંતિમક્રિયા થવી જોઈએ. હું આ કામ સામાજિક સેવા તરીકે નહીં પણ મારા મનની શાંતિ માટે કરું છું.

  • પારડિસ સાબેતી

    ઇરાન કમ્પ્યુટેશ્નલ જેનેટિસિસ્ટ

    પારડિસ સાબેતી એ હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર, બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ MIT અને હાર્વર્ડ અને હાવર્ડ હ્યુજિસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલાં છે. તેમણે પશ્ચિમ આફ્રિકામાં હ્યુમન અને માઇક્રોબાયલ જિનોમિક્સ, ઇન્ફૉર્મેશન થિયરી, રુરલ ઇન્ફેક્સિયસ ડિસિઝ સર્વેલન્સ તથા શિક્ષણના પ્રયાસો માટે યોગદાન આપ્યું છે.

    2014માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇબોલા વિરુદ્ધ લડવૈયાની ટીમને ‘પર્સન્સ ઑફ ધી યર’ જાહેર કરવામાં આવી હતી. જેમાં પરદિસ પણ સામેલ હતાં. ટાઇમે તેમને ‘100 સૌથી વધુ પ્રભાવશાળી લોકો’ની યાદીમાં પણ સ્થાન આપ્યું હતું. તેઓ ઍજ્યુકેશન વીડિયો સિરિઝ ‘અગેન્સ્ટ ઓલ ઓડ્સ’ના સંચાલક તથા રોક બેન્ડ ‘થાઉઝન્ડ ડેઝ’ના લીડ સિંગર હતાં.

    > આજે આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેમાં બીજા સારા લોકો સાથે એકતા અને હાસ્ય એ સહનશીલતા અને સફળતાની ચાવી પૂરવાર થશે. તેનાથી વિશ્વને વધુ સારું સ્થળ બનાવી શકાશે.

  • ફેબફી સેત્યાવતી

    ઇન્ડોનેશિયા કાર્યકર Febfisetyawati

    ફેબફી સેત્યાવતી એ Untukteman.id નામના સંગઠનનાં સ્થાપક છે. જે નબળા લોકોને મદદ કરે છે. ખાસ કરીને નાણાકીય તકલીફ ભોગવતા લોકો અને કોવિડ-19થી અસર પામેલા લોકોને મદદ કરે છે. તેઓ અને તેમની ટીમ એક ફોક્સવાગન કૅમ્પરવેનમાં ફરીને વિદ્યાર્થીઓને મફતમાં ઇન્ટરનેટ સુવિધા (જે મોંઘી હોઈ શકે છે) અને મોબાઈલ લાઇબ્રેરી પૂરી પાડે છે. જેથી તેઓ તેમનું કામ ચાલુ રાખી શકે. હવે આ ટીમ એવા વિસ્તારોમાં સિગ્નલ ટ્રાન્સમિટર્સ પૂરા પાડવા પ્રયત્નશીલ છે જ્યાં ઇન્ટરનેટના સિગ્નલ પહોંચી શકતાં નથી.

    તેમના પુત્ર અકારા હાયકાલનું મોબિયસ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી દુર્લભ ન્યુરોલોજિકલ બીમારીથી અવસાન થયું ત્યારે ફેબકીને ભારે દુખ થયું હતું. તેના કારણે તેઓ બીજાને મદદ કરવા માટે પ્રેરાયાં.

    > 2020માં વિશ્વ ઘણું બદલાયું છે. આપણે પણ વિશ્વ માટે બદલાવું જોઈએ. આપણે સતત ફરિયાદ કરતા રહેવાના બદલે ઉપયોગી હોય તેવું કંઈક કરવું જોઈએ.

  • રૂથ શેડી

    પેરુ પુરાતત્ત્વવિદ્

    રૂથ શેડી પુરાતત્વશાસ્ત્ર અને માનવવંશશાસ્ત્રમાં ડૉક્ટરેટ ધરાવે છે. તેઓ નેશનલ યુનિવર્સિટી ઑફ સેન માર્કોસ ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સિસના વાઇસ ડીન ઑફ રિસર્ચ છે. તેઓ કેરલ આર્કિયોલૉજિકલ સાઇટ ખાતે બહુવિષયક સંશોધનના ડિરેક્ટર છે. આ સ્થળે અમેરિકા ખંડની સૌથી જૂની સભ્યતા વિકસી હોવાનું માનવામાં આવે છે.

    તેઓ પેરુની પાંચ યુનિવર્સિટીઓમાંથી માનદ ડૉક્ટરેટ ડિગ્રી ધરાવે છે. 2018માં તેમણે વિજ્ઞાનમાં મહિલાઓ માટેનો લોરિયલ-યુનેસ્કો રાષ્ટ્રીય પુરસ્કાર જિત્યો હતો. તેમને રિપબ્લિક ઑફ પેરુમાં મેડલ ઑફ ઓનર ઑફ કૉંગ્રેસથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

    > મહિલાઓએ એવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ જે પરિવર્તન લાવવા માટે જરૂરી હોય અને એવા સમાજનું સર્જન કરવું જોઈએ જ્યાં લોકો એકબીજા સાથે સુમેળથી અને પ્રકૃતિ સાથે સંતુલન સાધીને રહી શકે.

  • પનુસાયા સિથિજિરાવત્તનાકુ

    થાઇલૅન્ડ વિદ્યાર્થી કાર્યકર

    ચાલુ વર્ષે સમગ્ર થાઇલૅન્ડમાં લોકશાહી તરફી પ્રદર્શનો થયાં છે અને 22 વર્ષીય પનુસાયા જેવાં વિદ્યાર્થીઓ તેમાં કેન્દ્રસ્થાને છે. પ્રદર્શનમાં સામેલ થવાના કારણે તેમની અને બીજા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમને ત્યાર બાદ જામીન પર છોડી મૂકાયાં હતાં.

    તેમની ધરપકડના લાઇવસ્ટ્રીમ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે સાદા કપડાંમાં સજ્જ પોલીસ અધિકારીઓ તેમને એક હોટેલના રૂમમાંથી ખેંચીને લાવે છે, તેમને એક વ્હીલચેરમાં બેસાડે છે અને એક પોલીસ ટ્રકમાં નાખીને લઈ જાય છે. પાનુસાયાએ તેમની સામેના આરોપો નકારી કાઢ્યા છે.

    ઑગસ્ટ મહિનામાં તેઓ વિદ્યાર્થીઓની રેલીમાં મંચ પર આવ્યાં હતાં અને હવે લોકપ્રિય બની ચૂકેલું 10 મુદ્દાનું ઘોષણાપત્ર વાંચી સંભળાવ્યું હતું. તેમણે રાજાશાહીને રાજકારણમાં દલખગીરી ન કરવા કહ્યું હતું. આ પગલું આચકાજનક હતું કારણ કે થાઇલૅન્ડ એવા દેશો પૈકી એક છે જ્યાં શાહી પરિવારની ટીકા કરવા સામે બદનક્ષીનો કાયદો અમલમાં છે. રાજા, રાણી કે તેમના વારસદારની ટીકા કરનાર કોઈ પણ વ્યક્તિને 15 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.

    > દરેક વ્યક્તિ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. તમે ગમે તે કરતા હોવ અથવા ગમે તે હોવ, આત્મવિશ્વાસ રાખો અને તમારું જીવન તેને લાયક બનાવો.

  • નસરીન સોતૌદેહ

    ઈરાન માનવાધિકાર કાર્યકર

    નસરીન સૌતોદેહ ઈરાનસ્થિત વકીલ છે. તેઓ ઈરાનમાં કાયદાના શાસન, રાજકીય કેદીઓના અધિકાર, વિરોધી કાર્યકરો, મહિલાઓ અને બાળકોના અધિકારોનાં હિમાયતી છે. ઈરાનની બહુ ટીકાપાત્ર બનેલી ન્યાયપ્રણાલિનો વિરોધ કરવાના કારણે તેમને લાંબા કારાવાસની સજા થઈ છે જેમાંથી તેઓ કામચલાઉ મુક્ત થયાં છે.

    તેમના જેલવાસ અને તેમના પરિવારને સતત ધમકીઓ મળતી હોવા છતાં સૌતોદેહ કાયદાનું શાસન લાવવાના લડાયક હિમાયતી છે.

    > હિજાબ અનિવાર્ય છે અને તેઓ અમારા પર અડધા મીટરનું કાપડ લાદી શકે તો આપણી સાથે બીજું ગમે તે કરી શકે છે.

  • કૅથી સુલિવાન

    અમેરિકા વૈજ્ઞાનિક/અવકાશયાત્રી

    કૅથી સુલિવાન એક કુશળ વૈજ્ઞાનિક, અંતરિક્ષયાત્રી, લેખિકા અને એક્ઝિક્યુટિવ છે. તેઓ 1978માં નાસા એસ્ટ્રોનોટ કોર્પ્સમાં જોડાનારી પ્રથમ છ મહિલાઓ પૈકી એક હતાં. તેઓ અંતરિક્ષમાં ચાલનારાં પ્રથમ અમેરિકા મહિલા તરીકે વિશિષ્ટ સિદ્ધિ ધરાવે છે.

    તેઓ સમુદ્રમાં સૌથી ઊંડા બિંદુ સુધી ડૂબકી લગાવનાર પ્રથમ મહિલા પણ છે. પોતાની અંતરિક્ષયાત્રા તથા સમુદ્રમાં ઊંડી ડૂબકીના કારણે તેમને 'મોસ્ટ વર્ટિકલ પર્સન ઇન ધ વર્લ્ડ'નું બિરુદ મળ્યું છે.

    > 2020માં વિશ્વ ઘણું બદલાયું છે. તે આપણને યાદ અપાવે છે કે આ પૃથ્વી પર આપણા સૌનાં જીવન એકબીજા સાથે કેટલી નિકટતાથી વણાયેલાં છે. તે આપણને ખરેખર જેની જરૂર છે અને જેને મૂલ્યવાન ગણીએ છીએ તેનું પુનઃઆકલન કરવાની ફરજ પાડે છે.

  • રીમા સુલ્તાના રિમુ

    બાંગ્લાદેશ શિક્ષિકા

    રીમા સુલતાના રિમુ એ બાંગ્લાદેશ ખાતે કોક્સ બઝારમાં યંગ વીમેન લીડર્સ ફૉર પીસનાં સભ્ય છે. આ કાર્યક્રમ ગ્લોબલ નેટવર્ક ઑફ વીમેન પીસબિલ્ડર્સનો હિસ્સો છે. તેનો હેતુ સંઘર્ષગ્રસ્ત દેશોની યુવા મહિલાઓને આગેવાન અને શાંતિના પ્રેરકબળ બનવા માટે સક્ષમ બનાવવાનો છે.

    રિમાએ પોતાના સમુદાયમાં રોહિંગ્યા નિર્વાસિત સંકટનો પ્રતિભાવ આપતી વખતે લિંગ આધારિત માનવવાદી કાર્યવાહીની તરફેણ કરી હતી. તેમણે રોહિંગ્યા શરણાર્થીઓ માટે લિંગ પ્રત્યે સંવેદનશીલ, વય મુજબ સુસંગત સાક્ષરતા અને સંખ્યાત્મક વર્ગો શરૂ કર્યા હતા. તેમાં સમુદાયની નિરક્ષર મહિલાઓ અને છોકરીઓ માટે પણ શિક્ષણ કાર્યક્રમ સામેલ હતા. રિમા રેડિયો પ્રસારણો અને થિયેટર પરફૉર્મન્સ દ્વારા પોતાના સમુદાયમાં યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના રિઝોલ્યુશન 1325 અને 2250 અંગે પણ જાગૃતિ વધારે છે.

    > હું બાંગ્લાદેશમાં લિંગ આધારિત સમાનતા લાવવા દૃઢનિશ્ચયી છું. હું અમારા અધિકારો માટે લડવા મહિલાઓ અને છોકરીઓની શક્તિમાં વિશ્વાસ ધરાવું છું. અમે સફળ થઈશું.

  • લિયા ટી

    બ્રાઝિલ ટ્રાન્સજેન્ડર મૉડેલ leat

    બહુ ઓછી એવી મૉડેલ હશે જેની સૌપ્રથમ જોબ ગીવેન્ચી માટે હોય. પરંતુ લીયા ટીના કિસ્સામાં આમ જ થયું છે. તેઓ 10 વર્ષ કરતાં વધુ સમયથી આ બિઝનેસમાં છે અને તેઓ મેરી ક્લેર, ગ્રેઝિયા અને વોગ જેવા હાઇ-પ્રોફાઈલ પ્રકાશનોના પાનાની શોભા વધારી ચૂક્યાં છે.

    2016માં લીયાએ ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહમાં ભાગ લેનાર પ્રથમ ખુલ્લેઆમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તરીકે માન્યતા મેળવી હતી. ટ્રાન્સજેન્ડર સમુદાયની તરફદારી કરવામાં લીયા પોપ-કલ્ચર આઈકોન છે. તેઓ LGBT લોકો સામેના ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને તેનો ઉકેલ લાવવા માટે સમાજને હાકલ કરે છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે પોતાના જેવા બીજા લોકોને પણ પોતાના સ્વપ્નો સાકાર કરવા પ્રોત્સાહિત કર્યા છે.

    > વિશ્વ હંમેશાં બદલાતું રહે છે અને આપણે શાશ્વત ગતિ કરીએ છીએ – પરંતુ મહિલાઓ એકલી ચાલી ન શકે.

  • અના તિજુ

    ફ્રાન્સ સંગીતકાર

    અના તિજુ એ ચિલીના હિપ-હોપ પ્રોટેસ્ટર છે. તેઓ નારીવાદી અને પોતાનાં ગીતો દ્વારા ચળવળકર્તાં છે. તેમણે સામાજિક અને સાંસ્કૃતિક ખામીઓને નકારી કાઢી છે. ચિલીમાં ઑગસ્ટો પિનોચેટની સરમુખત્યારશાહી આવી ત્યારે તેમનાં માતાપિતા દેશ છોડીને ભાગી ગયાં હતાં. જેના કારણે તેમની કારકિર્દી પર અસર પડી હતી. રાજકીય અને સામાજિક પ્રશ્નો પર ખાસ સંવેદનશીલતા જોવા મળી છે.

    મહિલાઓના અધિકારોની તરફેણમાં અને જેન્ડર હિંસાની વિરુદ્ધમાં તેમણે 2014માં પોતાના આલ્બમ 'વેંગો'માં 'એન્ટીપેટ્રીયાર્ક' જેવા ગીત દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો. તિજુ વિશ્વમાં અસમાનતા અને અત્યાચાર વિરોધી અભિયાનોમાં વારંવાર ભાગ લીધો છે.

    > વર્ષ 2020માં આર્થિક સિસ્ટમની નબળાઈ ખુલ્લી પડી ગઈ છે. આ નબળાઈ વચ્ચે આપણી પાસે આપણા સંબંધોના નેટવર્કની મજબૂતી છે. આપણે આ હંમેશાં યાદ રાખવું જોઈએ કારણ કે આપણાં મૂલ્યો અને શક્તિ તેમાં જ રહેલાં છે.

  • ઓપલ ટોમેટી

    અમેરિકા માનવાધિકાર કાર્યકર્તા

    ઓપલ ટોમેટી ઍવૉર્ડ વિજેતા માનવાધિકાર ચળવળકર્તાં છે. તેઓ બ્લેક લાઇવ્સ મેટરનાં ત્રણ મહિલા સહ-સંસ્થાપકો પૈકી એક છે. તેઓ ન્યૂ મીડિયા અને ઍડવોકેસી હબ ડાયસ્પોરા રાઇઝિંગનાં સ્થાપક પણ છે.

    તેમનો જન્મ અમેરિકામાં નાઇજિરિયન વસાહતીના ઘરે થયો હતો. તેમના માનવાધિકાર ચળવળનું ક્ષેત્ર સરહદોની પાર છે અને તેઓ લગભગ 20 વર્ષથી તેમાં સક્રિય છે.

    > ખરા અર્થમાં સૌ જાગ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે અન્યાય તરફથી નજર ફેરવી લેવી એ અન્યાયમાં ભાગીદાર થવા બરાબર છે. હું બધાને હિંમત રાખવા, પ્રતિબદ્ધ રહેવા અને તમારા સમુદાય સાથે જોડાયેલા રહેવા પ્રોત્સાહિત કરું છું.

  • સ્વિયાત્લાના તિખાનોવસ્કાયા

    બેલારુસ નેતા

    સ્વિયાત્લાના તિખાનોવસ્કાયા એ બેલારૂસના રાષ્ટ્રપતિપદનાં ભૂતપૂર્વ ઉમેદવાર છે. તેમણે બેલારૂસમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ચળવળની આગેવાની લીધી હતી. ઑગસ્ટ 2020માં રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યાનો દાવો કર્યો હતો. તેમાં મતદાનમાં વ્યાપક ગરબડના આરોપો થયા પછી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યાં હતાં.

    ચૂંટણી પછી તરત પોતાના બાળકોની સુરક્ષાની ચિંતાના કારણે સ્વિયાત્લાના બેલારૂસ છોડીને લિથુઆનિયા ભાગી ગયાં હતાં. ત્યાંથી તેઓ લોકતાંત્રિક ચળવળનું નેતૃત્ત્વ સંભાળી રહ્યાં છે.

    > તમે નબળા છો એવું કોઈ કહે તો એક સેકન્ડ માટે પણ આ વાત માનશો નહીં. આપણે ઘણી વખત જાણતા નથી હોતા કે આપણે કેટલા શક્તિશાળી છીએ.

  • યૂલિયા ત્સ્વેતકોવા

    રશિયા કાર્યકર

    યૂૂલિયા ત્સ્વેત્કોવાનો જન્મ રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાં એક નાનકડા ઔદ્યોગિક શહેરમાં થયો હતો. ત્યાં તેમણે આર્ટ, નૃત્ય અને નિર્દેશનનો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી પોતાના એક્ટિવિસ્ટ થિયેટર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા તેમણે મહિલાઓના અધિકારો, LGBTના અધિકારો, સૈન્યવાદનો વિરોધ તથા પર્યાવરણ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.

    2019માં તેમની ચળવળના કારણે તેમની સામે પોર્નોગ્રાફીનું વિતરણ કરવાના આરોપ લાગ્યા હતા. તેમની સામે 'LGBT પ્રોપગેન્ડા'ના ત્રણ કેસ પણ દાખલ થયા હતા. સ્ત્રીદેહના ડ્રોઇંગ ઑનલાઇન શેર કરવા બદલ હાલમાં તેઓ છ વર્ષનો જેલવાસ ભોગવી રહ્યા છે. રશિયન માનવાધિકાર સંગઠનો દ્વારા તેમને રાજકીય કેદી જાહેર કરાયાં છે. તેમણે પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે.

    > દુર્વ્યવહારને ક્યારેય સહન ન કરો. પછી તે સરકાર તરફથી હોય, પાર્ટનર તરફથી હોય કે સોસાયટી દ્વારા હોય. તમે મજબૂત છો અને આ વિશ્વને બદલવાની શક્તિ ધરાવો છો. ગમે તેવો અંધકારમય સમય હોય, સ્વપ્નો જોવાનું અને લડત આપવાનું ચાલુ રાખો.

  • અરુસી યુન્ડા

    મેક્સિકો કૅમ્પેનર

    મેક્સિકોમાં સ્ત્રીમૃત્યુદર વધી રહ્યો છે ત્યારે અરુસી અને તેમના નારીવાદી સંગ્રહ બ્રુજાસ ડેલ માર (વિચિસ ઓફ ધ સી) મહિલાઓના અવાજ તરીકે ઊભરી આવ્યું છે.

    આ વર્ષે તેમણે સમગ્ર દેશની મહિલાઓને 9 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવા માટે પ્રોત્સાહિત કરી હતી. તે દિવસે મહિલાઓએ પોતાના કામ અને બીજી પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી તથા ઘરમાં જ રહી હતી.

    > અત્યારની ઘડીએ ઘણા બધાં સ્લોગન અને સૂત્રો સાંભળવા મળે છે જેમ કે 'નારીવાદી ક્રાંતિ થશે' અથવા 'ભવિષ્ય નારીવાદીઓનું છે' - પરંતુ ભવિષ્ય પહેલેથી હાજર છે. આપણે બહાદુર બનીને આગળ વધતા રહેવું પડશે.

  • અનાસ્તાસિયા વોલ્કોવા

    યુક્રેન એન્ટરપ્રેન્યોર

    ડો. અનાસ્તાસિયા વોલ્કોવા એ ઉદ્યોગસાહસિક અને કૃષિ ક્ષેત્રે સંશોધનકર્તાં છે. જેઓ ખાદ્યાન્ન સુરક્ષાની સમસ્યાનો હલ લાવવા માટે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે.

    2016માં તેમણે ફ્લુરોસેટની સ્થાપના કરી હતી. આ કંપની ડ્રોન અને સેટેલાઇટ ડેટા તથા અલ્ગોરિઝમ અને બીજા ટૂલનો ઉપયોગ કરીને ખેડૂતોને પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.

    > તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગતા હોવ તે સ્વયં બનો. હું આશા રાખું છું કે આપણે સૌ આ પરિસ્થિતિનો ફાયદો લેવા અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે આપણા પોતાના રસ્તા શોધી શકીશું.

  • કોચાકોર્ન વોરાખોમ

    થાઇલૅન્ડ લૅન્ડસ્કેપ આર્કિટેક્ટ kotch_voraakhom

    કોચાકોર્ન વોરાખોમ પોતાની જાતને ''એક બદમાશ થાઇ અર્બન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ" તરીકે ઓળખાવે છે. તેમણે બેંગકોકના વિકસીત સિટીસ્કેપમાં 'તિરાડોવાળી ફૂટપાથ' ઉખેડી નાખવાના લક્ષ્ય સાથે પોતાનું કામ શરૂ કર્યું હતું. તેઓ તેની જગ્યાએ નવા વિચારોના અંકુરણ ફૂટે તેમ ઇચ્છતા હતા.

    હાલમાં તેઓ જાહેર જગ્યાના ઉત્પાદકીય ઉપયોગ માટે કામ કરે છે. મેગા શહેરો ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી શકે તે માટે તેઓ પાર્કની સાઇઝની જગ્યાઓ ખુલી કરવા માટે કામ કરે છે.

    > તમારું આખું શહેર જ જ્યારે ડૂબી રહ્યું હોય ત્યારે વધુ સારા આર્કિટેક્ટથી શું થઈ શકવાનું છે? આપણે વધુ વિકાસની પાછળ દોડીએ તેનાથી પહેલાં આપણે આબોહવામાં પરિવર્તનની સમસ્યા વિશે વિચારવાની જરૂર છે. પરંતુ કોઈ સમુદાય, દેશ કે પ્રદેશ આમ નથી કરી રહ્યા...આપણે સંગઠીત થઈને તેના વિશે વિચારવાની જરૂર છે. આ પૃથ્વી આપણી દુનિયા છે. આપણું ઘર છે. તેના સંકટને દૂર કરવાનો એક જ રસ્તો છે. આપણે તેના માટે એક થઈને કામ કરવું પડશે.

  • સ્યૂજઈ વાઇલ્સ

    યુકે વૈજ્ઞાનિક

    સ્યૂજઈ એક વૈજ્ઞાનિક અને પબ્લિક હેલ્થ કૉમ્યુનિકેટર છે. રોગચાળાના સમયગાળામાં તેઓ ન્યૂઝિલૅન્ડ ખાતે પ્રકૃતિની શક્તિ તરીકે કામ કરી રહ્યાં છે. કોવિડ-19નું વિજ્ઞાન સમજાવવા માટે તેમણે કાર્ટૂનિસ્ટ ટોબી મોરિસનો સાથ લીધો છે. તેમના સંયુક્ત કામમાં લોકપ્રિય 'ફ્લેટન ધ કર્વ' વિઝ્યુલાઈઝેશન સામેલ છે. જેનો જુદી જુદી ભાષામાં અનુવાદ કરાયો છે અને લોકો લૉકડાઉનને સમજી શકે તે માટે સરકારે તેનો ઉપયોગ કર્યો છે.

    તેઓ યુનિવર્સિટી ઑફ ઓકલૅન્ડ ખાતે બાયોલ્યુમિનેસન્ટ સુપરબગ્સ લેબનું વડપણ સંભાળે છે. જ્યાં તેઓ અને તેમની ટીમ અંધકારમાં બેક્ટેરિયા વિકસાવે છે. તેનાથી એ સમજી શકાશે કે ચેપી માઇક્રોબ્સ આપણને કઇ રીતે બીમાર કરે છે. તેનાથી નવી દવાઓ શોધવામાં મદદ મળશે.

    > જે દેશોમાં લોકો એકબીજાને રોગચાળાથી સફળતાપૂર્વક બચાવવા માટે સંગઠીત થયા છે ત્યાં જોવા મળ્યું છે કે કરૂણા અને અને સામુહિક પ્રયાસો દ્વારા પડકારોનો ઉકેલ મેળવી શકાય છે.

  • એલિન વિલિયમ્સ

    વેલ્સ, યુકે ડિસેબિલિટી બ્લૉગર

    એલિન એ લેખિકા અને વિકલાંગોના અધિકારોનાં હિમાયતી છે. તેમણે 16 વર્ષની ઉંમરે પોતાના બ્લોગ ‘માય બ્લર્ડ વિઝન’માં માયેલ્જિક એન્સેન્ફાલોમાયલિટિસ (ME) અને રેટિનાઇટિસ પિગમેન્ટોસા (આંખની બીમારી જેમાં દૃષ્ટિ સતત ઘટતી જાય છે)ના અનુભવો વર્ણવ્યા છે.

    તેઓ પ્રામાણિકતાથી, ખુલ્લા મને પોતાના અનુભવો લખે છે. તેમાં તેઓ સલાહ આપે છે, પોતાની સ્થિતિના કારણે કેવી ભાવનાત્મક અસર પડી તે લખે છે, તેમણે કયા સામાજિક અવરોધો સહન કરવા પડ્યા તથા ફેશન ઉદ્યોગમાં પહોંચ (એક્સેસિબિલિટી)ને પ્રોત્સાહિત કરવાના મહત્ત્વ વિશે તેઓ લખે છે. આ દરમિયાન તેમના લેખનમાંથી હકારાત્મકતા છલકે છે. તેઓ જાગૃતિ વધારવાની આશા ધરાવે છે અને સમાન સ્થિતિમાં હોય તેવા બીજા લોકોને પણ સંદેશ આપે છે કે તેઓ એકલા નથી.

    > તમારી સર્જનાત્મકતા, ઊર્જા, વિચારો, પીડા અને સુખને વ્યક્ત થવા દે તેવું સ્થાન શોધો. તેના દ્વારા જે હકારાત્મકતા પ્રાપ્ત થાય તેને અપનાવો. તમે એવી ચીજને લાયક છો જે સંપૂર્ણપણે તમારું હોય, જેમાં આ હેતુને પ્રભાવિત કરતાં કોઈ બાહ્ય પરિબળો ન હોય.

  • એલિસ વૉંગ

    અમેરિકા ડિસેબિલિટી કાર્યકર્તા

    એલિસ એ ડિસેબિલિટી વિઝિબિલિટી પ્રોજેક્ટનાં સ્થાપક છે, જે વિકલાંગતા ધરાવતા લોકોને તેમની ગાથાઓ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરતું જમીની સ્તરનું કૅમ્પેન છે.

    ચાલુ વર્ષમાં તેમણે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું નામ છે, ‘ડિસેબિલિટી વિઝિબિલિટી: ફર્સ્ટ-પર્સન સ્ટોરીઝ ફ્રોમ ધી ટ્વેન્ટી-ફર્સ્ટ સેન્ચુરી’

    > 2020માં આ વિશ્વ ઘણું બદલાયું છે અને હું નથી ઇચ્છતી કે બધું પહેલાંની જેમ "નોર્મલ" થાય.

  • લિયો યી-શિન

    સિંગાપોર ડૉક્ટર

    ડૉ. લિયો યી-સિન સિંગાપોરમાં અત્યાધુનિક નેશનલ સેન્ટર ફૉર ઇન્ફેક્સિયસ ડિસિઝિસ ધરાવે છે. આ સંસ્થા ચેપી રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે.

    કોવિડ-19 સામે સિંગાપોરની લડાઈમાં અગ્રેસર રહેવા ઉપરાંત તેમણે દેશમાં HIV સારવાર સુધારવા માટે દાયકાઓથી કામ કર્યું છે. તેઓ સાર્સ જેવા ચેપી રોગચાળા સામે વિવિધ ટીમોનું નેતૃત્ત્વ કરે છે. તેઓ ત્રણ બાળકોનાં માતા પણ છે અને કામ તથા ઘરની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધે છે.

    > કોવિડ-19એ દરેકનું જીવન બદલી નાખ્યું છે. જોકે, તેણે મહિલાઓના નેતૃત્ત્વના મહત્ત્વને બદલ્યું નથી. વાઇરસ સામે મોરચો સંભાળનારાઓમાં મુખ્યત્વે મહિલાઓ છે અને તેઓ હિંમત, દૃઢતા અને મજબૂતિપૂર્વક લડત આપી રહી છે.

  • મિશેલ યેઓ

    મલેશિયા અભિનેત્રી michelleyeoh_official

    મિશેલ યેઓ હૉંગ કૉંગની માર્શલ આર્ટ્સ ફિલ્મોમાં અભિનય દરમિયાન પોતાના સ્ટન્ટ જાતે કર્યા છે. સામાન્ય રીતે આને ‘પુરુષોનું વિશ્વ’ કહેવામાં આવે છે. તેઓ બોન્ડ ગર્લ તરીકે હોલીવુડની ફિલ્મોમાં ગયાં હતાં. (તેઓ ટુમોરો નેવર ડાઇઝ ફિલ્મમાં ચમક્યાં હતાં). તેઓ એશિયાની બહુ ઓછી અભિનેત્રીઓમાં સામેલ છે, જેમણે યુએસએમાં લાંબી, સફળ કારકિર્દી બનાવી હોય.

    આ બિઝનેસમાં 30 વર્ષથી વધુ સમય ગાળ્યા પછી મિશેલ નવી ‘અવતાર’ ફિલ્મો અને માર્વેલની પ્રથમ એશિયા આધારિત સુપરહિરો ફિલ્મ ‘શાંગ-ચી’માં મહત્ત્વની ભૂમિકાઓ મેળવી છે. તેઓ ઘણી વખત હોલીવુડમાં એશિયાના ઓછા પ્રતિનિધિત્વ અંગે બોલે છે. યુનાઇટેડ નેશન્સ ગૂડવિલ એમ્બેસેડર તરીકે તેઓ 2030 સુધીમાં ગરીબી નાબૂદી માટે કામ કરી રહ્યાં છે.

    > કોવિડ-19 આપણને સૌને અસર કરે છે, પરંતુ મહિલાઓ પર તેની વધારે અસર પડી છે. યાદ રાખો કે આપણે એકલા નથી. આપણને એકલવાયું લાગતું હોય તો મદદ માંગવી જોઈએ. સપોર્ટ નેટવર્ક હોવું એ અત્યારે પહેલાં કરતાં વધારે મહત્ત્વનું છે.

  • આયશા યેસુફુ

    નાઇજીરિયા કાર્યકર

    આયશા યેસુફુ એ નાઇજીરિયન ચળવળકર્તાં છે જેઓ દેશમાં સારા વહીવટની માંગણી કરી રહ્યા છે.

    તેઓ ‘બ્રિંગ બેક અવર ગર્લ્સ’ કૅમ્પેનના સહ-અધ્યક્ષ છે. 2014માં નાઇજીરિયામાં ત્રાસવાદી સંગઠન બોકો હરામ દ્વારા ચિબૂકની સેકન્ડરી સ્કૂલમાંથી 200થી વધુ છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યા બાદ આ અભિયાન શરૂ થયું હતું. જૂન 2020માં સ્પેશિયલ એન્ટી-રોબરી સ્કવોડ (SARS) પર નાઇજીરિયન નાગરિકોની હત્યા, બળાત્કાર અને લૂંટફાટના આરોપ મૂકવામાં આવ્યા ત્યારે નાઇજીરિયાને ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ તરફથી ટેકો મળ્યો હતો. યેસુફુ ‘એન્ડ SARS’ના આગેવાન પણ છે. નાઇજીરિયન પોલીસદળના આ વિવાદાસ્પદ એકમના અત્યાચારો તરફ સૌનું ધ્યાન દોરવા તેની રચના કરવામાં આવી હતી.

    > મહિલાઓને મારી સલાહ છે કે આ વિશ્વમાં સંપૂર્ણપણે અને હિંમતપૂર્વક તમારું સ્થાન પ્રાપ્ત કરો. મહિલાઓએ પોતાના સ્થાન માટે માંગણી કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે પોતાનું સ્થાન બનાવવું જોઈએ.

  • ગુલનાઝ ઝુઝબાયેવા

    કિર્ગિસ્તાન ડિસેબિલિટી કાર્યકર gulnazzhuzbaeva

    કિર્ગિઝસ્તાનમાં 5000થી વધુ લોકો દૃષ્ટિની ખામી ધરાવે છે પરંતુ તેઓ ઘણા સરકારી દસ્તાવેજોને એક્સેસ કરી શકતા નથી. કિર્ગિઝ ફેડરેશન ઑફ બ્લાઇન્ડના સ્થાપક ગુલનાઝ ઝુઝબેવા તેમને બ્રેઇલી લિપિમાં આ સામગ્રી ઉપલબ્ધ કરાવવા માંગે છે. તેઓ દૃષ્ટિની ખામી ધરાવતા લોકો સુધી તેની પહોંચ વધારવા સક્રિય છે.

    તેમની ટીમ દૃષ્ટિહીન લોકો માટે એક કાર્યક્રમ ચલાવે છે જેમાં તેમને જોબ માર્કેટમાં પ્રવેશવા માટેનું કૌશલ્ય શીખવવામાં આવે છે. 2020માં પુખ્ત વયના 22 લોકોએ કાર્યક્રમ પૂરો કર્યો હતો તેમાંથી છને સફળતાપૂર્વક રોજગારી મળી છે અને બે વ્યક્તિએ યુનિવર્સિટીમાં નોંધણી કરાવી છે.

    > જીવન પડકારથી ભરપૂર છે. તેને સ્વીકારીને મુકાબલો કરો.